મુખ્યમંત્રીને ધમકી આપનાર ઝડપાયો:વીડિયો બનાવી એક કરોડ રૂપિયાની માગ કરનાર વાવના કથાકારને બનાસકાંઠા LCBએ રાજસ્થાનથી દબોચ્યો

બનાસકાંઠા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બટુક મોરારિ બાપુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક વીડિયો બનાવ્યો હતો
  • જો મુખ્યમંત્રી પૈસા ના આપે તો ત્રણ મહિનામાં ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી હતી

બનાસકાંઠા જિલ્લાના વાવના એક કથાકારને વીડિયો બનાવી ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપવી ભારે પડી ગઈ છે. વાવના કથાકાર બટુક મોરારિબાપુનો ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા LCBએ બટુક મોરારિબાપુની રાજસ્થાનમાંથી અટકાયત કરી છે. મહત્વનું છે કે, બટુક મોરારિ મહારાજે ગઈકાલે એક મિનિટ અને ઓગણપચાસ સેકન્ડનો એક વીડિયો બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયા માગ્યા હતા. જો રૂપિયા ના આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી ઉચ્ચારી હતી.

રાજસ્થાનના રેવદર પાસેથી બટુક મોરારિબાપુ ઝડપાયો
મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને બટુક મોરારિબાપુની શોધખોળ શરૂ કરી હતી. કથાકાર ગુજરાત છોડી રાજસ્થાન પહોંચી ગયો હોવાની જાણ થતા બનાસકાંઠા LCBએ બટુક મોરારિને રાજસ્થાનના રેવદર પાસેથી ઝડપી પાડ્યો હતો. બટુક મોરારિને ગુજરાત લવાયા બાદ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

અગિયાર દિવસમાં એક કરોડ આપી જવા કહ્યું હતું
જે વીડિયો વાઈરલ થયો છે તેમાં કથાકાર બનાસકાંઠાના વાવ તાલુકાના બટુક મોરારિબાપુ મહેશ ભગત તરીકે ઓળખ આપી રહ્યો છે. અંદાજે બે મિનિટના વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપો નહીં તો ત્રણ મહિનામાં જ ઉપાડીને ફેંકી દઈશ.

શું છે વાઈરલ વીડિયોમાં?
જે વીડિયો વાઈરલ થયો છે તે 1 મિનિટ 49 સેકન્ડનો છે. જેમાં કહી રહ્યો છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારિબાપુ બોલી રહ્યો છું. વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારિબાપુ. અગિયાર દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાવ. એક કરોડ, એકપણ રૂપિયો કમ નહીં.અને એ પણ આજે તારીખ 25 થઈ છે. 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો ટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. હું બટુક મોરારિબાપુ બોલું છું મહેશ ભગત વાવ.

અન્ય સમાચારો પણ છે...