ખનીજચોરો ઝડપાયા:બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો ખાનગી રાહે સપાટો , ખનીજ ચોરી કરતાં ત્રણ ડમ્પર કબ્જે કરી રૂ 6.53 લાખનો દંડ ફટકાર્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખાનગી રાહે ચેકીંગ હાથ ધરાયું
  • ખાનગી વાહનમાં ચેકીંગ દરમ્યાન બે દિવસમાં ત્રણ ડમ્પર કબ્જે

બનાસકાંઠા વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી ત્રણ રેતી ભરેલા ડમ્પર કબજે કરી રૂપિયા 6.53 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દિવસમાં ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી ગત બુધવારે વહેલી સવારે ડીસા-થરાદ હાઇવે પર આગથળા પાસેથી એક ડમ્પર નંબર GJ 08 Y 8453ને રોકવી પૂછપરછ કરવામાંઆવી હતી. જેનો રોયલ્ટી પાસ ચેક કરતા છ ટન વધુ સાદી રેતી ગેરકાયદેસર ભરેલી હોઇ તેને ઝડપી પાડી આગથળા પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેમજ તેની પાસેથી રૂ 1.31 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જ્યારે ગઈકાલે ગુરુવારની વહેલી સવારે ફરી ખાનગી વાહનમાં નંબર પ્લેટ વગરની ગાડીમાં ચેકિંગ હાથ ધરતા કાંકરેજના કંબોઇના પાસે GJ 24 X 0662 અને GJ 24 V 8845 નંબરનાં બે ડમ્પર રેતી ભરીને આવી રહ્યા હતા. જેમની પાસે રોયલ્ટી પાસ મળી ન આવતાં સાદી રેતીની ગેરકાયદેસર ખનીજચોરી કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી બંને વાહનોને શિહોરી પોલીસ સ્ટેશને લાવી પોલીસને સોંપવામાં આવ્યા હતા અને રૂપિયા 5.22 લાખનો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી હતી. આમ બે દિવસ માં ત્રણ ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપી રૂ 6.53 લાખનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ અંગે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે આવા લોકો સરકારી ગાડીની સતત વોચ રાખતા હોવાથી બે દિવસથી અમારી ટીમે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરીને ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા છે અને હજુ પણ ખનીજ ચોરી કરતા તત્વોને છોડવામાં નહિ આવે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...