રજૂઆત:બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું, એમએસપીથી નીચા ભાવે ખરીદી ના થાય તે માટે કાયદો બનાવવા અપીલ કરી

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ જળનું નીચું સ્તર, ભૂંડનો ત્રાસ જેવા પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર પાઠવાયું
  • આવનારા સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ

બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મંગળવારે ધરણા કાર્યક્રમ દ્વારા ખેડૂતોને લાભકારી મૂલ્ય મળે અને ખેડૂતો સુખી થાય તે હેતુસર ગરીબ ખેડૂત વર્ગ માટે ઘટતું કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

અખિલ ભારતીય કિસાન સંગઠનની કાર્યકરણી બેઠકમાં 36 રાજ્યના પ્રમુખ મંત્રીઓના ઠરાવ મુજબ ખેડૂતોને લાભકારી મૂલ્ય, પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી 8 સપ્ટેમ્બર 2021ના રોજ ભારતના 513 જિલ્લા મથકે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી અને કૃષિમંત્રીને લાખો ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી અપીલ કરાઈ હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળતાં અખિલ ભારતીય કિસાન સંગઠન દ્વારા આજે 11 જાન્યુઆરી 2022 અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિના દિવસે સમગ્ર ભારતના તાલુકા મથકે ધરણા કાર્યક્રમ યાજવાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે પાલનપુર ખાતે પણ જિલ્લા કિસાન સંગઠને ખેડૂતોને લાભકારી મૂલ્યે મળે અને ખેડૂત સુખી થાય જેવી કલેકટરને રજૂઆત કરી હતી તેમજ ખેડૂતો માટે ઘટતું કરવા વિનંતી કરી હતી.

આ અંગે કિસાન સંઘના આગેવાને જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘ સમગ્ર ભારતના 533 જિલ્લાઓમાં આજે આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે mspથી પણ નીચા ભાવે અમારું અનાજ વેચાઈ રહ્યું છે, તે સમયે ખેડૂતોને મસમોટું નુકસાન પડે છે. એટલે mspથી નીચા ભાવે ખરીદી ના થાય તેના માટે સરકારને રજુઆત કરવા અને તેને લગતો કાયદો બનાવવાની રજૂઆત કરવા માટે અમે અહીં આવ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા કેટલાક સ્થાનિક પ્રશ્નો પણ છે. અહીંયા ભૂગર્ભજળ ખૂબ જ નીચું જતું રહ્યું છે જેના માટે સરકાર અહીંના સ્થાનિક તળાવો ભરવા માટે કોઈ નવી યોજના બનાવે તેવી અપીલ કરાઈ હતી. ઉપરાંત ભૂંડનો ત્રાસ હોવાથી અમારા વિસ્તારમાં તૈયાર થયેલો પાક ઘણીવાર ઝીરો ટકા નષ્ટ થઈ જાય છે, જેને પગલે તેમને નુકસાન પડે છે. તો આવી દરેક પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વહારે આવે તેવી રજીઆત કરાઈ હતી. ઉપરાંત જો આવનારા સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો મોટું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...