ગૌવંશનું કતલ કરનારાઓને સજા:બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે ગૌવંશનું કતલ કરનારા 4 વ્યક્તિઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ અવાર-નવાર ગાયો અને ગૌવંશ ચોરીછુપીથી લાવી ક્રૂર રીતે કતલ કરતા હતા
  • આરોપીઓને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવાના હુકમો કરવામાં આવ્યા
  • તંત્રના કડક પગલાંને લીધે અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વોમાં ફફડાટ

ગૌવંશની હત્યા તેમજ ગૌવંશની હેરફેરના કાયદા હેઠળ રાજ્યમાં સંભવત: સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં કડક પગલાં લેવામાં આવ્યા છે. તેમજ ગૌવંશની હત્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલમાં ધકેલી આપવામાં આવ્યાં છે.

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગૌવંશની કતલ કરનારા 4 આરોપીઓને ગુજરાતના અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ મુજબ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવાના હુકમો કરવામાં આવ્યાં છે.

બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરફથી મળેલી માહિતી મુજબ આ ગુનાના આરોપીઓ અવાર-નવાર ગાયો અને ગૌવંશ ચોરીછુપીથી લાવી પોતાના ખેતરમાં બનાવેલ ગાયો- ભેંસોના તબેલામાં ક્રૂર રીતે કતલ કરતા હતા. તેમજ ગૌમાંસ પોતાના સાગરીતો મારફતે પાલનપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં પહોંચાડવાની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા હતાં. જેથી આ અન્વયે ગુનો નોંધી તેમને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના આવા કડક પગલાંને લીધે બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...