આક્ષેપ:ડીસાના તાલુકા વિકાસ અધિકારી તેમની કચેરીમાં દારૂ પીતા હોવાનો અરજદારોનો આક્ષેપ

પાલનપુર25 દિવસ પહેલા
  • TDOએ કહ્યું, મે મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો
  • ક્રિમિલેયર- આવકના દાખલાની રજૂઆત કરવા ગયેલા છાત્રોએ સૂત્રોચ્ચાર કરી પોલીસને જાણ કરી
  • ટીડીઓએ નશો કર્યાનો આક્ષેપ છતાં સેમ્પલ નહીં લેવડાવતાં પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

બનાસકાંઠાના ડીસા તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા તાલુકા વિકાસ અધિકારી તેમની જ કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં અરજદારો સાથે બેહૂદું વર્તન કરતાં અરજદારોએ આક્ષેપ કર્યા છે. જે મામલો વણસી જતાં ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાશ હાથ ધરી હતી.

ડીસાના તાલુકા વિકાસ અધિકારી તેમની જ કચેરીમાં દારૂ પીધેલા હાલતમાં પકડાયા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો માટે વિધાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે, જેથી વિધાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આજે આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવતા વિધાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ અકલાઈ ઉઠ્યા હતા અને આ અંગે ડીસા તાલુકા પંચાયતમાં વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા. દરમ્યાન અચાનક વિધાર્થીઓ વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં વિકાસ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને વિધાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરવા ઉપરાંત ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા, જેવા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે.

આ અંગે વિદ્યાર્થી સુમરા યુસુફભાઈએ જણાવ્યું હતું કે, હું ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું, સોમવારે 4 વાગ્યા પછી દાખલો હું કાઢી આપું છું. તેવુ જણાવ્યું હતું. હુ લેવા ગયો તો નહીં મળે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી પીધેલા હોવાનો મને શક છે. જેથી તેમનો રિપોર્ટ થવો જોઈએ.

વિદ્યાર્થીની સુરતાબાએ જણાવ્યું હતું કે, ચાર દિવસથી અમે અહીંયા આવીએ છીએ. 30 તારીખ ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવ્યાં તો કહે સોમવારે આવો. સોમવારે અમે 11 વાગે આવ્યા તો કહે કે 4 વાગે આવો, અત્યારે છોકરાઓ લાઈનમાં ઉભા છે. આખો આખો દિવસ સવારથી લઈને કોઈ સરખો જવાબ નથી આપતા. અમારી જિંદગીનો સવાલ છે. ક્રિમિલિયર સર્ટિફિકેટ આવી જાય તો અમેં અમારું કોસ્ટેબલનું ફોર્મ ભરીએ. અધિકારી દારૂ પીધેલા હતા એટલે એમને સસ્પેન્ડ કરવા જોઈએ.

આ અંગે વિકાસ અધિકારી બી.ડી.સોલંકીએ જણાવ્યું હતું કે, મારી જિંદગીમાં મેં ક્યારે દારૂ પીધો નથી. દારૂના પીવાય આપણે ગુજરાતમાં રહીએ. મેં પીવાનું ચાલુ જ નથી કર્યું તો પીવાનું ચાલુ ક્યાંથી થાય.

છાત્રોના કહેવાથી સમાધાન કરાયું છે
તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપો થતાં પોલીસ મથકે લવાયા હતા. જોકે, તેમણે છાત્રો સામે માફી માંગી હતી. છાત્રોના કહેવાથી તેમની સાથે સમાધાન કરવામાં આવ્યું છે. ટીડીઓ સામે કોઇ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. - જે. યુ. ચૌહાણ (પીઆઇ, ડીસા પોલીસ મથક)

ટીડીઓને નોટિસ અપાશે
આજે વિડિયો મળ્યો છે જેને લઇ ટીડીઓને નોટિસની કામગીરી હાથ ધરી છે.જો જણાવ્યા પ્રમાણે એવું કઈ હશે તો સરકારમાં આ અંગે રિપોર્ટ કરીશું." - સ્વપ્નિલ ખરે (જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા

પોલીસની કાર્યવાહીથી તર્ક- વિર્તક
ડીસાના વાયરલ થયેલા વિડિયોમાં તાલુકા વિકાસ અધિકારી નશો કરેલી હાલતમાં હોવાનું જણાઇ રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં તેઓ નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરવા માટે લોહીના નમૂના સહિતની કાર્યવાહી કરવાના બદલે સમાધાન કરી છોડી મુકયા હતા. સામાન્ય વ્યકિતના કેસમાં પ્રોહિબિશનની તમામ કાર્યવાહી કરી કેસ કરતી પોલીસે આ કેસમાં કરેલી કાર્યવાહીથી અનેક તર્ક- વિર્તકો ઉઠવા પામ્યા છે.આ બાબતે જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...