તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાયરોના ગામમાં નવોદિત કલાકારનો ઉદય:માસિક વિશેની સીરિઝમાં કામ કરવા બીજાએ સૂગ દર્શાવી, પાલનપુરની સંજના આગળ આવી

પાલનપુર14 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
સંજના જોષીની તસવીર - Divya Bhaskar
સંજના જોષીની તસવીર
  • છોકરીઓ પ્રત્યે રાખવામાં આવતા ભેદભાવ સામે અવાજ ઉઠાવતું પાત્ર ભજવીને જાણીતી બની

ગુજરાતની સ્કૂલોમાં અભ્યાસ કરતી કિશોરીઓ માટે વેબ સીરિઝ પાખંડનો એપિસોડ બનાવવાનો હતો. વિષય હતો માસિક ધર્મ વિશે સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને ખોટી રૂઢીગત પરંપરાનો વિરોધ દર્શાવી સાચી વૈજ્ઞાનિક સમજ આપવા માટે અભિયન કરવા માટે 40 કિશોરાવસ્થાના કલાકારોને પૂછવામાં આવ્યું હતું. જોકે, સામેથી આ કિશોરીઓ અને તેમના માતા- પિતાઓ એક જ પ્રત્યુત્તર આવ્યો કે આવા ગંદા વિષય ઉપર અમે અભિનય નહીં કરીએ. ત્યારે પાલનપુરની માત્ર 16 વર્ષની સંજના જોષીએ હિંમત પૂર્વક અભિનય કરી કલાકારને સફળ બનવા માટે કોઇ વિષય પ્રત્યે સુગ ન રાખવી જોઇએ તેવો સંદેશો પાઠવ્યો હતો.

‘છોકરાઓને વાગે અને શરીરમાંથી લોહી નીકળે તો કેમ પાંચ દિવસ અળગા નથી કરવામાં આવતા, અને છોકરીઓ સાથે માસિક ધર્મ વખતે ભેદભાવ રખાય છે ?’ પાલનપુરની કલાકાર સંજના જોષીના મુખેથી નીકળતાં આ વાક્યો તેની હિંમત અને જુસ્સો તો દર્શાવે જ છે સાથે અભિનયમાં તેની ઓતપ્રોતતા પણ દર્શાવે છે. પાલનપુર કોર્ટમાં નોકરી કરતા દેવેન્દ્રકુમાર અને મીતાબેન જોષીએ દીકરી સંજનામાં સ્કૂલના કાર્યક્રમોમાં ડાન્સના પરર્ફોમન્સ થકી નાનપણથી જ કલાકારના ગુણ પીછાણી તેને આ દિશામાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. અને 10 વર્ષની ઉંમરે શહેરમાં આવેલા સંસ્કૃતિ ફિલ્મ પ્રોડકશનમાં તાલીમ માટે મૂકી હતી. જ્યાં ડાયરેકટર નયનભાઇ ચત્રારિયાએ તેણીમાં છુપાયેલી અભિયન ક્ષમતાને નિહાળી તેને માર્ગદર્શન આપ્યું હતું.

તેઓ જણાવે છે કે કલાના જે નવ રસો છે. તે સંજનામાં છે. ખાસ કરીને ડાન્સની સાથે ચહેરાના હાલ ભાવ બંને સાથે હોવા અને સ્ટેજ ફિયર ન હોવો એ તેના માટે ખૂબ જ મોટી કુદરતી ભેટ છે. સંજના જોષીએ જણાવ્યું કે, કલાકાર માટે કોઇપણ વિષય પ્રત્યે સૂગ ન હોવી જોઇએ. જે પાત્ર હોય તેની અંદર જ લીન થઇ જવાય તો તે પાત્ર જીવંત બની જાય છે. ગાયક કલાકારો જેમ રિયાઝ કરે છે એ ઢબે સંજના પણ દરરોજ અભિનયની પ્રેક્ટિસ કરે છે.

અભિનેત્રી બનવાનું સ્વપ્ન
સંજના જોષીને 10 વર્ષની ઉંમરે નયનભાઇ ચત્રારિયાનું માર્ગદર્શન મળ્યા પછી પાછુ વળીને જોયું નથી. તેણીએ છ વર્ષના સમયગાળામાં વર્તમાન સમયે 16 વર્ષની ઉંમરમાં જ ડાન્સ, વેબ સિરીઝ, સ્ટેજ ઉપર અભિનયમાં શ્રેષ્ઠ દેખાવ કરી અસંખ્ય મેડલો પ્રાપ્ત કર્યા છે. અને ભવિષ્યમાં બોલીવુડની ફિલ્મોમાં કામ કરવાની ખેવના છે.