પાણીની વિકટ સ્થિતિ:વરસાદ માટે વલખાં મારતા બનાસકાંઠાની વધુ એક વાસ્તવિકતા, સિપુ ડેમ તળિયાઝાટક, દાંતીવાડા ડેમની સપાટી પણ સાવ નીચે

પાલનપુરએક વર્ષ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • જિલ્લામાં બે વર્ષથી પૂરતો વરસાદ ન આવતાં પાણીની સમસ્યા
  • સિપુ ડેમમાં હાલમાં માત્ર 0.80 ટકા જ પાણી બચ્યું
  • દાંતીવાડા ડેમમાં પણ માત્ર 8% જેટલું જ પાણી બચ્યુ

'ઘાટ થયા સુના ને ઉજ્જડ થઈ સીમ, વરસી જા વ્હાલા હવે શું કામ કરે છે ઢીલ.' આવા શબ્દો બનાસકાંઠાના ખેડુતોના હૈયામાંથી નિકળી રહ્યા છે. કારણ કે, બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ તો ઊંડા જઈ રહ્યાં છે, પરંતુ પીવા સહિત સિંચાઇ માટેના પાણીનો પણ કકળાટ વધતો જ જઈ રહ્યો છે. જિલ્લાના ખેડુતોને જિલ્લામાં આવેલા જીવાદોરી સમાન દાંતીવાડા મોકેશ્વર અને સિપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી અપાતું હતું પરંતુ ડેમની સ્થિતિ જોઈ થોડા સમય અગાઉ સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેવાયું હતું. જોકે, તે બાદ પણ વરસાદ ખેંચાતાં જિલ્લામાં આવેલા સિપુ ડેમની સ્થિતિ કપરી બની છે. સીપુ ડેમમાં માત્ર 0.80 ટકા જ એટલે કે એક ટકો પણ પાણી બચ્યું નથી જેને લઇ આસપાસના લોકોને સિંચાઇ માટે જ નહીં પણ પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિના એંધાણ સર્જાયા છે.

સિપુ ડેમમાં હાલમાં માત્ર 0.80 ટકા જ પાણી બચ્યું
બનાસકાંઠા જિલ્લાના સિપુ ડેમમાં હાલ 0.80 ટકા પાણી બચ્યું છે. ડેમ તળીયા ઝાટક થતાં તેમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું બંધ છે. 2019-2020 તેમ બે વર્ષથી જિલ્લામાં નહિવત વરસાદ ના કારણે ડેમમાં પૂરતું પાણી આવ્યું નથી, જેના કારણે ખાલી પીવા માટે જ લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે. સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. સિપુ ડેમની કુલ સપાટી 186.43 મીટર છે, પરંતુ હાલ ડેમ ખાલી પડ્યો છે. જ્યારે 2017માં ડેમ પાણીથી ભરાયો ત્યારે ડીસા તાલુકાના 25 ગામની જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હતું.

દાંતીવાડા ડેમમાં પણ હવે માત્ર 8.62 ટકા પાણી બચ્યું
બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન સિપુ ડેમ સિવાય દાંતીવાડા ડેમમાં પણ હવે માત્ર 8.62 ટકા પાણી બચ્યું છે. દાંતીવાડા ડેમ 604 ફૂટનો સપાટી ધરાવે છે. જોકે, હાલ 550.95 ફૂટ સપાટી છે. હાલમાં દાંતીવાડા ડેમમાં 1199.536 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે દાંતીવાડા ડેમમાંથી હાલ દાંતીવાડા ડીસા તેમજ પાલનપુરના 87 જેટલા ગામડાઓમાંને પાણી આપવામાં આવી રહ્યું છે.

ડેમનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવાનું બંધ કરાયુ
દાંતીવાડા ડેમમાં હાલમાં જે જથ્થો છે તે આગામી બે વર્ષ માટે પીવાના પાણી તારીકે ચાલી શકે તેટલો છે તેવું ડેમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. અગાઉ સિંચાઇ માટે પાંચ પાણી આપવામાં આવ્યા હતા, પરંતુ હવે ખેડૂતોને પાણી આપી શકાય તેટલું નથી. જેને લઇ સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરાયું છે. ત્યારે હવે ભર ચોમાસે બનાસકાંઠાના ખેડૂતોને પાણી માટે વલખાં મારવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

પાણી વગર ખેડૂતો હવે લાચાર બન્યા
પહેલા વરસાદમાં કરેલું વાવેતર સુકાઈ રહ્યું છે. વરસાદ આવ્યો નથી અને ડેમમાંથી કેનાલ દ્વારા મળતું પાણી હવે મળી શકે તેમ નથી. ત્યારે ખેડૂતો હવે લાચાર બન્યા છે. કુદરત મહેરબાન થાય અને જો ઉપરવાસમાં વરસાદ થાય તો સીપુ તેમજ દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો થાય તેમ છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ ખેંચાતાં સિપુ ડેમ તળીયા ઝાટક થયો છે. ડેમની સ્થિતિને જોતા વિસ્તારના લોકોને સિંચાઈ માટેનું પાણી તો બંધ છે, પરંતુ અત્યારે પીવા માટે પાણી પણ હવે એક મહિનો ચાલે તેમ છે. ત્યારે બનાસકાંઠામાં ભર ચોમાસે હાલ પાણી માટેની પારાયણ સર્જાઈ રહી છે. ખેડૂતો ભગવાન ભરોશે બેઠા છે.

જિલ્લામાં બે વર્ષથી પૂરતો વરસાદ નથી આવતો
આ અંગે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખાતરો લાવ્યા 100 રૂપિએ ડીઝલના ભાવથી વાવેતર કર્યા હતા તે હવે પાણી વગર સુકાઈ છે. પાણીની હાલ ખુબજ તંગી છે. પશુપાલન કઈ રીતે કરવું ખેડૂત હાલ ખુબજ તંગીમાં છે. વ્યાજવા પૈસા લઈને બે ત્રણ વાર ખેડ કરી છે. પાણીની આ વખતે ખુબ જ તંગી છે. બે વર્ષથી પૂરતો વરસાદ આવતો નથી.

ખેડૂતે જણાવ્યું હતું કે ચાલુ સીઝન છતાં ચોમાસાનો શ્રાવણ મહિનો આવ્યો છે છતાં વરસાદ થયો નથી અને ડેમ કોરો પડ્યો છે. પાણીના તળ ઉંડા જાય છે, બોર કરીએ તો પણ પાણી થતું નથી. મોંઘા ભાવના બિયારણો અને ખાતરોનો આવ્યા છે છતાં પાક સૂકાવા લાગ્યો છે, પશુ પાલન કરવું પણ તકલીફમાં છે.

અન્ય સમાચારો પણ છે...