સન્માન સમારોહ:થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમય પ્રમાણે ભરવાડ સમાજના યુવાનોએ ઉચ્ચ શિક્ષણ મેળવી પેન પકડવાની જરૂર છેઃ જેઠાભાઈ ભરવાડ

બનાસકાંઠા જિલ્લાના થરા મુકામે ગ્વાલીનાથ ઝાઝાવડા દેવ મંદિર, ગુરૂગાદી ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો હતો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઉપાધ્યક્ષનું કોટી, પાઘડી અને ભરવાડોની ઓળખ સમી લાકડી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિર સમાન ગુજરાતની વિધાનસભામાં મને ઉપાધ્યક્ષ તરીકેનું પદ આપ્યું છે તે મારું જ નહીં પરંતુ સમગ્ર ભરવાડ સમાજનું સન્માન છે. છેવાડા માનવીની ચિંતા કરતી આ રાજ્ય સરકારે ભરવાડ સમાજને આ પદ આપી ભરવાડ સમાજને ગૌરવવંતુ બનાવ્યું છે.

ઉપાધ્યક્ષ એ ભરવાડ સમાજના યુવાનો સંબોધતાં અત્યારે સમય ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે ત્યારે આધુનિક સમય પ્રમાણે ભરવાડ સમાજના યુવાનોએ લાકડી મૂકી ઉચ્ચ શિક્ષણ મેળવી પેન પકડાવીની જરૂર છે. તેમણે સમાજના આગેવાનોને કહ્યું કે, આપણો સમાજ માનવતાની સાથે પશુઓની પણ સારસંભાળ રાખી સેવા ચાકરી કરે છે. ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના નારા સાથે આપણે આગળ વધીશું તો ચોક્કસ સમાજને ખુબ મોટો ફાયદો થશે. વિકાસના આ યુગમાં તમામ સમાજોની સાથે હળી મળીને રહીએ તથા ભાઇચારો કેળવીએ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નના રાષ્ટ્ર નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએ. શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનો પરીચય આપતા જણાવ્યું હતું કે, અમારા 182 ધારાસભ્યોના માનીતા નવનિયુક્ત ઉપાધ્યક્ષ અને જેમના વિધાનસભા ગૃહમાં પ્રવેશતા તમામ ધારાસભ્યોમાં આનંદનું મોજુ ફરી વળે એવો એમનો નિખાલસ અને સાલસ સ્વભાવ છે. જેમણે સિનિયર અને જુનિયર નેતાઓના દિલ જીતી લીધા છે. મંત્રીએ કહ્યું કે, અમારા જેવા અનેક ધારાસભ્યોને પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન આપવાનું કાર્ય તેઓ સતત કરે છે. મંત્રીએ ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી હતી. 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુએ આર્શીવચન પાઠવ્યા હતાં. ભરવાડ સમાજ માટે પાટણ ખાતે નિર્માણ પામી રહેલા શિક્ષણ સંકુલ માટે ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રૂ. 61 લાખનું માતબર રકમનું દાન આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...