અહીંનો ગોળ મીઠાશ ફેલાવે છે:25 વર્ષ બાદ બનાસકાંઠામાં ફરી એકવાર ગોળ બનાવવા લાગ્યા ખેડૂતો, મહારાષ્ટ્ર-રાજસ્થાનથી લવાય છે શેરડી

પાલનપુર5 મહિનો પહેલા
  • શેરડીને કોલુ મશીનમાં પીલવામાં આવે છે, રસને જુદી જુદી રીતે થાળમાં ઉકાળવામાં આવે છે
  • 5થી 6 કલાક બાદ તૈયાર થાય છે પાતળો ગોળ, ઠંડીમાં ખૂબ ફાયદાકારક

બનાસકાંઠાના ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો લહેરાઈ રહ્યા હતા. આ પંથકમાં શેરડીનું મોટે પાયે વાવેતર થતું હતું, જે શેરડીમાંથી દેશી ગોળ તેમજ પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો અને લોકોનો મુખ્ય ખોરાક પણ ગોળ હતો, પરંતુ સમય જતાં પાણીના અભાવે આ વિસ્તારમાં આ પાકો હવે જોવા મળતા નથી. ત્યારે આ પંથકમાં ફરીથી ખેડૂતોએ બહારના રાજ્યમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી લોકો આ ગોળ લેવા માટે આવી રહ્યા છે.

શેરડીને ઉકાળીને બનાવાય છે ગોળ.
શેરડીને ઉકાળીને બનાવાય છે ગોળ.

એક સમયે જ્યાં શેરડીના પાક સતત લહેરાતા હતા, શેરડીમાંથી ગોળ મોટા પ્રમાણમાં બનતો તેમજ લોકો દેશી શુદ્ધ ગોળનો રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગ કરતા તેવા ધાણધાર વિસ્તારમાં પાણીના તળ ઊંડાં ગયાં બાદ શેરડીનું વાવેતર બંધ થઈ ગયું હતું, જેને કારણે ગોળ બનાવવાનું પણ બંધ થઈ ગયું હતું. જોકે હવે 25થી 30 વર્ષ બાદ આ વિસ્તારના ખેડૂતોએ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાંથી શેરડી લાવી એને પીલીને-ઉકાળીને ગોળ બનાવવાનું શરૂ કર્યું છે, જે ગોળ હાલમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે.

શેરડીનું વાવેતર બંધ થઈ જતાં હવે ખેડૂતો બહારનાં રાજ્યોમાંથી શેરડી લાવી પાતળો ગોળ બનાવી રહ્યા છે. શેરડીને કોલુ મશીનમાં પીલવામાં આવે છે. ત્યાર બાદ તેના રસને અલગ અલગ રીતે થાળમાં ઉકાળવામાં આવે છે, જેના 5થી 6 કલાક બાદ આ ગોળ તૈયાર થાય છે. એને આ વિસ્તારના લોકો પાતળો ગોળ કહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ ગોળ શરીર માટે ખૂબ લાભદાયી ગણાય છે. એને લઇ લોકો આ ગોળનો મોટી માત્રામાં ખોરાકમાં ઉપયોગ કરે છે.

5થી 6 કલાક બાદ તૈયાર થાય છે ગોળ.
5થી 6 કલાક બાદ તૈયાર થાય છે ગોળ.

આ અંગે ગોળ બનાવનારા અસરફ ભાઈએ જણાવ્યું હતું કે ગામડાઓમાં વર્ષોથી આ ગોળ ખૂબ ખવાય છે. પરંતુ આ ગોળ કોઈ બનાવતું નહોતું. પરંતુ અમે શેરડી લાવી ગોળ બનાવવાનું શરૂ કર્યું જેનાથી લોકો હવે દૂર દૂરથી ગોળ લેવા આવે છે. શિયાળામાં 4 મહિના સુધી આ ગોળ બને છે, જે ઠંડીમાં ખૂબ ફાયદાકારક ગણાય છે.

લોકો દૂર દૂરથી ગોળ લેવા આવે છે.
લોકો દૂર દૂરથી ગોળ લેવા આવે છે.
અન્ય સમાચારો પણ છે...