વસમી વિદાય:ફિલ્મ જગતમાં બાબલાભાઇના હુલામણા નામથી જાણીતા હતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યા, 100થી વધુ ફિલ્મો-સિરિયલોમાં કરી ચૂક્યા છે કામ

પાલનપુરએક મહિનો પહેલા
  • ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતા
  • રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરિયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારિટી મળી

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ફિલ્મ જગતમાં બાબલાભાઇના હુલામણા નામથી જાણીતા ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈ ખાતે 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયુ છે. ચંદ્રકાંત પંડ્યાએ ગુજરાતી ફિલ્મોના એક યુગને ગજવ્યુ હતું. તેઓ 100થી વધુ ફિલ્મો અને અનેક ટેલિવિઝન સીરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરિયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારિટી મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતા.

ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો
ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઈ હતી. ઉપેન્દ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર જેવા દિગ્ગજો સાથે તેઓ અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મજગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યું છે.

ચંદ્રકાન્ત પંડ્યાને બીએ સુધી અભ્યાસ કર્યો
અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતાનુ નામ મગન લાલ અને માતાનુ નામ લક્ષ્મીબેન પંડ્યા છે. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી, જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. મહીયરની ચુંદડી તેમની શ્રેષ્ઠ ફિલ્મ હતી. ફિલ્મ જગતમાં તેઓ બાબલાભાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા. પોતાના મિત્ર લંકેશ (અરવિંદ ત્રિવેદી)ના અવસાનથી તેઓ ખુબ વ્યથીત થયા હતા. આજે તેમનું 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયુ છે. આવતીકાલે મુંબઈના ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ચંદ્રકાંત પંડ્યાએ આ ફિલ્મોમાં કામ કર્યું
ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. એ બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શકવર્ગ ઊભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયનાં કામણ પાથર્યાં છે.

ચંદ્રકાંત પંડ્યાને જોઇએ તસવીરોમાં

અન્ય સમાચારો પણ છે...