ધરપકડ:સિવિલમાંથી ભાગેલો આરોપી 8 કલાકે ડીસાથી ઝડપાયો, પોલીસને ચકમો આપી બાથરૂમની બારીમાંથી ફરાર થઈ ગયો હતો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી દિનેશ ચૌહાણ - Divya Bhaskar
આરોપી દિનેશ ચૌહાણ
  • આરોપી ભાગી જતાં દિવસભર પોલીસ દોડતી રહી, બપોરે ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતાં સબંધીને ત્યાં પહોંચતા ગઢ પોલીસે વોચ ગોઠવી દબોચ્યો

પાલનપુર સિવિલ હોસ્પિટલના વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહેલો ચોરીનો આરોપી સોમવારે વહેલી સવારે પોલીસને ચકમો આપી બાથરૂમની બારી માંથી કુદી ફરાર થઈ જતાં ભારે ભાગ દોડ મચી હતી. જ્યાં દોડી આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ ત્વરિત તપાસ હાથ ધરી હતી. દરમિયાન બપોરે 1 વાગ્યે ડીસા ગવાડી વિસ્તારમાં રહેતાં તેના સબંધીને ત્યાં પહોંચતા જ ગઢ પોલીસે તેને દબોચી લીધો હતો.

પાલનપુર પૂર્વ પોલીસ મથકની હદમાં બનેલા ચોરીના ગુનામાં તાજેતરમાં પોલીસે આરોપી દિનેશ ચૌહાણની અટકાયત કરી હતી. જોકે, તેનો રિપોર્ટ કરવામાં આવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી 9 સપ્ટેમ્બરે કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે વહેલી સવારે આરોપીએ બાથરૂમ જવાનું કહી અંદર ગયો હતો. અને બારીમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા તરૂણ દુગગલ સહિત પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ત્વરિત તપાસ હાથ ધરી જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન બપોરે એક વાગેે ડીસા ગવાડી વિસ્તારમાં રહેતાં તેના સબંધીને ત્યાં પહોંચતા જ ગઢ પોલીસે તેને દબોચી લીધો હતો. ભાગેલો આરોપી આઠ કલાકની શોધખોળ બાદ ઝડપાઈ જતાં જિલ્લાની પોલીસે રાહતનો દમ લીધો હતો.

આરોપી અગાઉ ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતો હોઈ વોચ રાખી હતી
પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી નાસી છુટેલો ચોરીનો આરોપી અગાઉ ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતો હતો. એના સંબંધીઓ પણ અહીંયાં જ રહેતાં હોઈ તે ઘરે આવવાની પુરી શક્યતાઓ હતી. આથી ત્યાં વોચ રાખી હતી. જે સાંજે ઘરે આવતાં જ તેને ઝડપી લેવાયો હતો. - સંજય ચૌધરી (પીએસઆઇ, ગઢ પોલીસ મથક)

આરોપીને બાથરૂમમાંથી પરત આવતાં વાર થઈ એટલે ખબર પડી
આરોપી ફરજ ઉપરના પોલીસ કર્મીને પોતે બાથરૂમ જાય છે તેમ કહી ગયો હતો. જોકે, ઘણી વાર સુધી આરોપી પરતના આવતા પોલીસ કર્મીએ તપાસ કરતા આરોપી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું.

ગઢ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ચોરીના નવ ગુના નોંધાયા છે:પીએસઆઈ
આ અંગે પીએસઆઈ ચૌધરીએ જણાવ્યું કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી સવારે પાંચ વાગે ફરાર થઈ ગયેલો આરોપી બપોરે એક વાગે ઝડપાઇ ગયો હતો.ગઢ પોલીસ મથકે તેની વિરૂદ્ધ નવ ચોરીના ગુન્હા નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...