ટેન્કરમાં આગ:ડીસાના ભીલડી પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ, લાગતાં ટેન્કર બળીને ખાખ થઇ ગયું

પાલનપુર8 મહિનો પહેલા
મોડી રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ લાગી
  • ટેન્કર ચાલક અને કંડકટરનો સમય સુચકતાના કારણે આબાદ બચાવ
  • નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગતા કેમિકલ ભરેલું ટેન્કર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું.

ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે મોડી રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. ગાંધીધામથી કેમિકલ ભરેલું એક ટેન્કર ડીસા તરફ આવી રહ્યું હતું તે દરમિયાન ભીલડી પાસેથી પસાર થતી વખતે અચાનક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. જોકે, ટેન્કર ચાલક અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે બંને ટેન્કરમાંથી નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેમિકલ ભરેલું ટેન્કર બળીને ખાખ થઈ ગયુ હતુ. જેના કારણે ટેન્કરના માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...