ફરિયાદ:રાજસ્થાનમાંથી 30 હજારમાં વેચી દેવાયેલી યુવતી જાલોત્રાથી મળી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30,000માં વેચી દેવાઈ હોવાનું મહિલાનું નિવેદન,પોલીસ ફરિયાદ નથી નોંધાવી
  • યુવતીને 181 અભિયમ દ્વારા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલાઈ

બનાસકાંઠા 181 અભિયમની ટીમને રાજસ્થાનના ઉદેપુર જિલ્લાની એક યુવતી ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામ નજીકથી મળી આવી હતી. તેણીએ પોતાને વેચી દેવાઈ હોવાનું નિવેદન લખાવ્યું હતું. આથી મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવી હતી. જોકે, યુવતીએ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન માંથી સગીરા- યુવતીઓને નાણાં લઈ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વેચી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જ્યાં અગાઉ પણ આવા કિસ્સા નોંધાઈ ચુક્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા નજીકથી ગુરુવારે મળી આવેલી યુવતીના કિસ્સામાં પણ હ્યુમન ટ્રાફિકિંગની બૂ આવી રહી છે. આ અંગે બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર જીનલ પરમારે જણાવ્યું હતું કે, જલોત્રા નજીક એક યુવતી મળી હોવાનો કોલ મળતાં મહિલા પોલીસના એલ.આર. સી.સી. ઇન્દુબેન ભગોરા સાથે ત્યાં પહોંચ્યા હતા. અને યુવતીની પૂછતાછ કરતાં તેણીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, મને રૂપિયા 30,000માં બનાસકાંઠાના ગામમાં વેચવામાં આવી છે.

જોકે, વધુ રૂપિયા દોઢ લાખ ચુકવવામાં ન આવતાં ઘરેથી નીકળી ગઈ છું. યુવતીના આ નિવેદનના આધારે તેના વાલી વારસો ન મળે ત્યાં સુધી તેણીને પાલનપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. જોકે, યુવતીએ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જો પોલીસ ફરિયાદ નોંધાય તો યુવતીએ કરેલા નિવેદનમાં તથ્ય સાથે તપાસ થાય તો સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

રાજસ્થાન સરકારે કાયદાનો કડક અમલ કરવો જોઈએ : રાષ્ટ્રીય મહિલા આયોગ સદસ્ય
હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ રોકવા માટે રાજસ્થાન સરકારે કાયદાઓ કડક અમલ કરવો જોઇએ. ગ્રામ્ય લેવલે મહિલાઓને આ અંગે જાગૃત કરવી જોઇએ. નેશનલ ચાઇલ્ડ રાઇટ્સ કમિશન સાથે સંપર્ક કરવો જોઇએ. હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓ અટકે તે માટે જન માનસ સુધી જાગૃતિના પગલાં ભરવામાં આવે એ પણ જરૂરી છે.> ડો. રાજુલબેન દેસાઈ,સદસ્ય, રાષ્ટ્રીય મહિલા અયોગ, નવી દિલ્હી

અન્ય સમાચારો પણ છે...