પાલનપુરથી ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોના સંક્રમિત યુવકે કહ્યું, ‘જેટકોની પરીક્ષા હતી એ દિવસે સંક્રમિત થયો, બીજાને ન થાય એટલે પરીક્ષા ન આપી, કારકિર્દી કરતાં જિંદગી વધુ કિંમતી’

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓએ કહ્યું - હિંમત નથી હારી,સ્વસ્થ થયા બાદ બુસ્ટર ડોઝ પણ લઇશું

દિવ્ય ભાસ્કરની ટીમે પીપીઈ કિટ,ફેસ શિલ્ડ પહેરી હોમ કવોરન્ટાઇન દર્દીઓને રૂબરૂ મળ્યા,દર્દીઓએ કહ્યુ, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, સમયસર નિદાન, સારવારથી પાંચ દિવસમાં રાહત થાય છે,ગળામાં દુ:ખાવો અને તાવ, શરદી હોય તો તુરંત કોરોના ટેસ્ટ કરાવો, જેથી પરિવાર, મિત્રો સગા- સંબંધીઓને આપણા થકી ચેપ ન લાગે

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. દસ દિવસ અગાઉ એકલ - દોકલ આવતાં કેસો હવે બેવડાઇ ગયા છે. જ્યાં વર્તમાન સમયે કોરોનાના કેસોએ સદી નોંધાવી છે. કુલ 113 કેસો પૈકી સૌથી વધુ કેસ જિલ્લા મથક પાલનપુરમાં 57 છે. આવી સ્થિતિમાં શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા દર્દીઓ પોતાનું કવોરન્ટાઇન કેવી રીતે પસાર કરી રહ્યા છે. કોરોનાને માત આપવા માટે શુ કરી રહ્યા છે. કેવો અનુભવ થયો છે. પરિવારના અન્ય સભ્યો કઇ કાળજી રાખી રહ્યા છે. તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમે તેમના ઘરે જઇ પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.

પાલનપુર દિવ્ય ભાસ્કરની ટીમ કોરોના પોઝિટિવ લોકોના ઘરે જઈ સાચી હકીકત જાણવાની કોશિષ કરી હતી.
પાલનપુર દિવ્ય ભાસ્કરની ટીમ કોરોના પોઝિટિવ લોકોના ઘરે જઈ સાચી હકીકત જાણવાની કોશિષ કરી હતી.

રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી નિયમિત દવા- સારવાર, આહાર અને આરામથી પાંચ જ દિવસમાં રાહત થઇ જાય છેે
બધા જ દર્દીઓએ એવું કહ્યુ હતુ કે, અમને પહેલા શરદી થઇ હતી. સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારજનોએ સલાહ આપતાં ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો હતો. વર્તમાન સમયે ત્રીજી લહેરની શરૂઆત છે. હવે કોરોના કેસો વધશે ત્યારે શરદી, તાવ, ગળામાં દુ:ખાવો કે કળતર જેવા ચિહ્નો જણાય તો બેદરકારી રાખ્યા વિના તરજ કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેનાથી સાચી સ્થિતિની જાણ થઇ શકે અને પરિવાર, મિત્રો સગા-સબંધીઓને આપણા થકી કોરોનાનો ચેપ લાગતાં બચાવી શકાય. શહેરના અર્બન એક અને બે વિસ્તારમાં હોમ કવોરેન્ટાઇન દર્દીઓ પૈકી મોટાભાગનાની હિસ્ટ્રી જોતા તેઓ અન્ય શહેરોમાંથી આવ્યા પછી કોરોના સંક્રમિત બન્યા હતા.

જોકે, 20 ટકા દર્દીઓ એવા હતા કે જેમણે કોરોનાને હાર આપી સ્વસ્થ બની ગયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી નિયમિત દવા- સારવાર, આહાર અને આરામથી પાંચ જ દિવસમાં રાહત થઇ જાય છેે. હાલમાં હોમ ક્વોરન્ટાઇનમાં મોટા ભાગે યુવાનો છે. જેઓને પરિવારજનોએ અલગથી રૂમ આપ્યો છે. આ દર્દીઓ રૂમમાં ટેલિવિઝન ઉપર તેમના મન ગમતા કાર્યક્રમો, ફિલ્મો નિહાળી તેમજ મોબાઇલમાં ગેમ રમીને ક્વોરન્ટાઇન ટાઇમ પસાર કરી રહ્યા છે. પરિવારજનો તેમની દવા, ભોજનની પુરેપુરી તકેદારી રાખી રહ્યા છે.

આઠ મિત્રો સાથે યુવક સંક્રમિત બન્યો
પાલનપુર અશોક સોસાયટીમાં રહેતા યુવકે જણાવ્યું કે, વિસનગરમાં હોસ્ટેલમાં રહી મેડીકલનો અભ્યાસ કરૂ છુ. આઠ મિત્રો કોરોના પોઝિટિવ આવ્યા હતા. મને તાવની અસર જણાતાં ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો, રસીના બંને ડોઝ લીધા હોવાથી ચિંતા નથી. પરિવારજનોના ટેસ્ટ કરાવ્યા છે. જે હવે આવશેે.

મુંબઇથી આવેલા તબીબ સંક્રમિત બન્યા
પાલનપુરમાં આર્યુવેદિક હોસ્પિટલ ધરાવતાં તબીબ મુંબઇથી આવ્યા પછી કોરોના સંક્રમિત બન્યા હતા. જોકે, જાતે જ આયુર્વેદિક ઉકાળા પી સારવાર કરતાં કોરોનાને હરાવ્યો છે. જેઓ પુન: હોસ્પિટલમાં જાય છે અને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. લોકોને કોરોનાથી બચાવવા માટે છેલ્લા બે વર્ષથી 1000 લીટર ઉકાળાનું વિતરણ પણ કર્યુ છે.

બે ડોઝ લીધા હોવા છતાં કોરોના સંક્રમિત થઇ, હિંમત નથી હારી હવે બુસ્ટર ડોઝ પણ લઇશ
પાલનપુર હનુમાનટેકરી વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા 62 વર્ષિય વડીલે જણાવ્યુ કે બંને ડોઝ લીધા હતા. છતાં સંક્રમિત બની છુ.શરૂઆતમાં શરદી થઇ હતી. આર. ટી. પી. સી. આર. કર્યો તો પોઝિટિવ આવ્યો હતો. જોકે, મારા પતિનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.મે ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે, મને કોવિડ પોઝિટિવ આવશે. જોકે, હિંમત નથી હારી,આજે પાંચ દિવસ થઇ ગયા છે. સ્વસ્થ થયા બાદ બુસ્ટર ડોઝ પણ લઇશ.

વિદ્યાર્થીએ કહ્યું,મને કોરોના થયો,મારા થકી કોઈને ચેપ ન લાગે તે માટે પરીક્ષા જ ન આપી
પાલનપુર સર્કિટહાઉસ પાછળ રામદેવનગરમાં રહેતા 22 વર્ષિય યુવકે જણાવ્યું કે, જેટકો કંપનીમાં નવી જોબ માટે એપ્લાય કરી હતી. મનમાં દ્રઢ વિશ્વાસ હતો કે, પરીક્ષામાં પાસ થઇ જઇશ. જોકે,સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જે દિવસે પરીક્ષા આપવા જવાનું હતુ. તે દિવસે જ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર ઉપર સંચાલકો દ્વારા પોઝિટિવ પરીક્ષાર્થીઓ માટે પીપીઈ કિટ, માસ્ક સહિતની સુવિધા- વ્યવસ્થા કરવામાં આવી હતી.

જોકે, રસ્તામાં આવતા, જતાં તેમજ પરીક્ષા સ્થળે અન્ય લોકોને મારા થકી કોરોનાનો ચેપ ન લાગે, મારી કારર્કિદી કરતાં એમના જીવન વધારે કિંમતી છે. તેમ વિચારી મે પરીક્ષા જતી કરી છે. આજે પાંચ દિવસ થઇ ગયા છે. કોરોનાના લક્ષણોથી ખુબ રાહત અનુભવું છુ. વિટામીન સી ની ગોળીઓ અને ઉકાળાથી ખુબ ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...