MBBSના સ્ટુડન્ટે હાથમાં પકડ્યાં પાના-પકડ:ભંગારમાંથી બનાવી અનોખી કાર, આ ઇલેક્ટ્રિક ગાડી એકવાર ચાર્જ કરવાથી ચાલે છે 45 કિ.મી.

પાલનપુર3 મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • શ્રેય ઓઝા નામના યુવકે બેથી ત્રણ મહિનાની સખત મહેનત કરી ગાડી બનાવી
  • ભંગારની જૂની વસ્તુનો ઉપયોગ કરી 60 હજારથી વધુના ખર્ચે ગાડી બનાવી

ગુજરાતના ખૂણેખૂણામાં ગામડાંમાં અનોખી પ્રતિભાઓ ધરબાયેલી પડી છે. ત્યારે મૂળ બનાસકાંઠાના દાંતા તાલુકાના હરિગઢ ગામના અને હાલ ભુજના રાપર ખાતે રહેતા એક યુવાને બેથી ત્રણ મહિનાની સખત મહેનત કરીને બેટરીથી ચાલતી ગાડી તૈયાર કરી છે.

શ્રેય એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે
બનાસકાંઠા જિલ્લાના દાંતાના હરિગઢ વતની અને હાલ ભુજના રાપર ખાતે રહેતા ડોક્ટર રમેશભાઈ ઓઝાના પુત્ર શ્રેય ઓઝાએ બેટરીથી ચાલતી ગાડી બનાવી છે. શ્રેય ઓઝા જે પોતાના ભવિષ્ય માટે તો એમ.બી.બી.એસ. અભ્યાસ કરે છે, પણ પોતાના મનોરંજન માટે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે.

ગાડી બનાવવા ભંગારની જૂની વસ્તુનો ઉપયોગ કર્યો
એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા શ્રેય ઓઝાએ ભંગારના વાડામાંથી જૂની વસ્તુનો ઉપયોગ કરી પાંચ ફૂટની ટૂ સીટર ગાડી બેથી ત્રણ મહિનામાં ભારે જહેમત બાદ તૈયાર કરી છે. આ ગાડીમાં સ્પીડ મીટર, બ્લૂ એલઇડી લાઇટ, બે પંખા, એક મ્યુઝિક સિસ્ટમ અને બે સ્પીકર સાથે ગાડીમાં ડાયરેક્ટ સેલ સ્ટાર્ટ ટાઈપ ઓન ઓફની સ્વિચ છે, જે ચાવી લગાવીને ઓન ઓફ કરી શકાય છે.

ગિયર વગરની ગાડી બનાવી
આ ગાડીની ખાસિયત એ પણ છે કે આ ગાડીમાં ગિયર નથી, એને બદલે ત્રણ મોડ રાખ્યા છે. લો, મીડિયમ અને હાઈ. લો પર ગાડી 20થી 25ની સ્પીડે ચાલે છે, મીડિયમ પર 30થી 35ની સ્પીડથી ચાલે છે અને હાઇપર 45ની સ્પીડથી ગાડી ચાલે છે. આ ગાડી તૈયાર કરવામાં શ્રેય ઓઝાને 60 હજારથી વધુ ખર્ચ થયો છે. આ ગાડી એકવાર ચાર્જ કર્યા બાદ 40થી 50 કિલોમીટર ચાલે છે.

શોખ માટે ફ્રી સમયનો ઉપયોગ કર્યો
આ અંગે શ્રેય ઓઝાએ જણાવ્યું હતું કે આ ગાડી મેં ખાલી શોખ માટે બનાવી છે. વેકેશન હતું અને ખાલી શોખ હતો કે કંઈક હું બનાવું, એટલે ગાડી બનાવી છે. પહેલાં પણ નાનાં-મોટાં ઘણાં એક્સપરિમેન્ટ કર્યાં હતાં.

હાઈ પર 45ની સ્પીડે ગાડી ચાલે છે
શ્રેયએ જણાવ્યું હતું કે ગાડી મેં ટૂ સીટર બનાવી છે. ગાડીમાં હેડ લાઈટ, ફોગ લાઈટ, સાઈડ લાઈટ નાખી છે. બ્લૂ એલઇડી લાઈટ અને બે પંખા નાખ્યાં છે. આ ઉપરાંત મ્યુઝિક સિસ્ટમ નાખી છે, જેમાં બે સ્પીકર છે. ગાડીમાં ડાયરેક્ટ સેલ્સ્ટાટ ટાઈપ ઓન-ઓફની સ્વિચ છે, જે ચાવી લગાવીને આપણે ઓન-ઓફ કરી શકીએ. આમાં ગિયરને બદલે ટોટલ ત્રણ મોડ છે. લો, મિડિયમ અને હાઈ. લો પર 20થી 25ની સ્પીડે ચાલે, મીડિયમ પર 30થી 35ની સ્પીડે ચાલે અને હાઈ પર 45ની સ્પીડે ચાલે છે.

ત્રણ મહિના મહેનત કરી
તેણે વધુમાં જણાવ્યું હતું કે મેં ગાડી બનાવવાનું વિચાર્યું એટલે ધીમે ધીમે વસ્તુઓ ભેગી કરવાનું ચાલુ કર્યું. જે કાર બનાવવામાં વસ્તુ જોઈએ એ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુઓ ભેગી કરી. પછી મેનુ મેકેનિઝમ પ્રમાણે એની વસ્તુ કઈ રીતે જોઈન થશે એ બધું વિચાર્યું. ધીમે ધીમે આની અંદર જેમ જેમ વસ્તુ આગળ આગળ થવા માંડી એમ મને ખબર પડતી ગઈ કેવી રીતે બધું ફિટિંગ થશે. અમુક વાર વસ્તુ કર્યા પછી અઠવાડિયા-પંદર દિવસ મહેનત કર્યા પછી પાછી એને ખોલવી પણ પડે, આવું મારે ઘણીવાર થયું. ગાડી મજબૂત બનાવવા માટે એમાં લોખંડની પાઇપનો ઉપયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...