બાબાસાહેબની 131મી જન્મજયંતિ:વડગામમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમરસતા સંમેલન યોજાયું, કહ્યું-" બાબાસાહેબે તેમના સંઘર્ષની ફરિયાદનો હરફ સુદ્ધાં નહોતો ઉચ્ચાર્યો"

પાલનપુરએક મહિનો પહેલા
  • ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંમેલન યોજાયું
  • સક્ષમ બન્યા પછી તેમની અવગણના થઈ હોવા થતાં પણ એમણે ક્યારેય ફરિયાદ ન કરી - પ્રદેશ પ્રમુખ
  • શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કેસાજી ચૌહાણ સહિતના નેતા હાજર રહ્યા

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની 131મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સમરસતા સંમેલનમાં પ્રાથમિક શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મંત્રી કેસાજી ચૌહાણ, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી સહિતના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ અંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે આજે વડગામ મુકામે બાબાસાહેબને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આગળ વધાવાના નિર્ધાર સાથે લોકોની બહોળી હાજરી વચ્ચે સમરસતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબાસાહેબે કરેલા સંઘર્ષની ફરિયાદનો એમણે કદી હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. છતાં સક્ષમ બન્યા પછી તેમની અવગણના થઈ હોવા થતાં પણ એમણે ક્યારેય ફરિયાદ નથી કરી. મહાત્મા ગાંધી પણ જાણતા હતા એમનું સામર્થ્ય શું છે એટલે એમને સરકારમાં સ્થાન આપવું પડ્યું અને એમણે બંધારણના ઘડવૈયા તરીકેનું બિરૂદ મેળવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આ દેશના બંધારણમાં આટલા વર્ષો પછી પણ એકપણ સુધારો કરવાની જરૂર નથી પડી એ જ બાબત બતાવે છે કે બાબાસાહેબની દુરંદેશી કેટલી હતી. આજે આ જ બંધારણના કારણે કેટલાક લોકોને દેશને સરમુખત્યાર બનાવવાની ઈચ્છાઓમાં પીછેહઠ કરવી પડી હતી, કારણકે આપણું બંધારણ એટલું મજબૂત હતું. બાબાસાહેબને હું આજના દિને યાદ કરું છું. એમના જીવનમાંથી સૌ લોકો પ્રેરણા લે અને આવનારી પેઢીને પણ પ્રેરણા મળે તેવા આપણે પ્રયત્નો કરીશું.

અન્ય સમાચારો પણ છે...