તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતમાં આગ:દાંતીવાડાના વીરોણા પાસે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે પોલીસની ગાડીને ટક્કર મારી, બંને ગાડીઓમાં ભયાનક આગ લાગી

પાલનપુર23 દિવસ પહેલા
  • ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી, આગમાં પોલીસની ગાડી પણ લપેટાઇ
  • દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના કુચાવાડા વિરોણા ગામ પાસે ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગવાની ઘટના સામે આવી છે. જિલ્લાના કૂચવાડા વિરોણા ગામ પાસે ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો. આ અકસ્માતમાં અચાનક બંને ગાડીઓમાં આગ લાગી હતી.

દાંતીવાડા તાલુકામાં વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ તેની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે દાંતીવાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા આ કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટકરાઇને પલટી ખાઇ ગયુ હતું.

ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓમાં પોલીસની ગાડી પર લપેટાઇ ગઈ હતી. જોતજોતામાં બંને ગાડીઓ આગમાં સળગવા લાગી હતી બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને આજુબાજુ દોડી આવી અકસ્માત ગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા બનાવને પગલે દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

કેબિનમાંથી ચાલકના અસ્થિ મળ્યા
ટેન્કરમાં આગ લાગતા ચાલક રાજસ્થાનના પાલી જીલ્લાના રાયપુર તાલુકાના શેદડા ગામના પરમવિરસિંહ મહેન્દ્રસિંહ ભાટ કેબિનમાં જ ફસાઇ ગયા હતા. જેઓ બહાર ન નીકળી શકતા ડ્રાયવર સીટ ઉપર જ આગમાં ભડથું થઇ ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો ત્યારે કેબિનમાંથી એમના અસ્થિ જ મળ્યા હતા.

બે ડ્રાઇવરો સૂતા હતા અને અકસ્માત થયો
ડ્રાયવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાજસ્થાનના પાલી જીલ્લાના રાયપુર તાલુકાના શેદડા ગામના નાથાલાલ બગદુરામ પ્રજાપતિ અને ભીલા ગામના વિક્રમસિગ દીપસીગ રાવત સૂઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જોકે, તેમનો આબાદ બચાવ થયો હતો.

આગથી સાઇડના ઝાડ બળી ગયા
અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કર અને જિલ્લા ટ્રાફિકના વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે વિકરાળ બનતાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડયા હતા. આગના કારણે હાઇવેની સાઇડમાં ઉભેલા ઝાડ પણ બળી ગયા હતા.

ટ્રાફિકના વાહનમાં કાગળો બળી ગયા
આગમાં લપેટાયેલી જિલ્લા ટ્રાફિકના વાહન નંબર જીજે-18-જીએ-2671માં પડેલી અસલ લોગબુક, માસ્ક દંડની બુક, સ્થળ દંડની બુક, મેમાબુક, ડાયરી અને ફાઇલ બળી ગઇ હતી. આ અકસ્માતમાં કર્મચારીઓ મુકેશભાઇ, માનસીંગભાઇ, સુરેન્દ્રસિંહ, શૈલેષકુમાર,દશરથસિંહનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...