અફડાતફડીનો માહોલ:ભીલડીમાં 3 ખેતમજૂરોને ઘાયલ કરનાર દીપડો પકડાયો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દીપડો 7 કિલોમીટર દૂર ખેટવા, ઈન્દીરાનગર અને વાહરા ગામને વટાવીને ભીલડી નજીક રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો હતો
 • વન વિભાગે ભીલડી રેલવે સ્ટેશનના બેરેકમાં છુપાયેલા દીપડાને ટ્રેન્ક્યુલાઈઝ ગનથી બેહોશ કરી બાલારામ લવાયો
 • દીપડો બેરેકમાં ઘુસી જતા બે કર્મીઓ 3 કલાક સુધી રૂમમાં પુરાઈ રહ્યા,સાંજે પકડાયો

બનાસ નદીના પટમાં આંટાફેરા મારતો દીપડો 7 કિલોમીટર દૂર ખેટવા ઈન્દીરાનગર અને વાહરા ગામને વટાવીને ભીલડી નજીક રેલવે સ્ટેશન પાસેના ગીચ ઝાડી વિસ્તાર નજીકના ખેતરમાં સવારે સાત વાગ્યે સૌપ્રથમ જોવા મળ્યો હતો. ત્યાં કામ કરતાં ત્રણ ખેતમજૂરને ઘાયલ કરતા પોલીસ અને વન વિભાગની ટીમો ખેતરમાં પહોંચી હતી. જો કે,દીપડો બપોર બાદ ભીલડી રેલવે સ્ટેશનના બેરેકમાં ઘૂસી જતા અફડાતફડીનો માહોલ વચ્ચે દીપડાને બેહોશ કરીને તેને પાંજરામાં પાલનપુર નજીકની બાલારામ નર્સરીમાં લવાયો હતો.

સપ્તાહ પૂર્વે કાંકરેજ તાલુકાના થરા નજીકના ગામમાં આવેલો દીપડો બે જણાને ઘાયલ કરીને ગુમ થઈ ગયો હતો ત્યારબાદ શુક્રવારે વહેલી સવારે ભીલડી રેલવેસ્ટેશન નજીકના ખેતરમાં કામ કરી રહેલા 3 ખેતમજૂરોને ઘાયલ કર્યા હતા. જેમાં મગનજીને તેમજ અમૃતજીને પગે ઇજા પહોંચાડી હતી જ્યારે બળવંતજીના હાથ પર ફ્રેક્ચર કર્યું હતું.

ખેતરમાલિક અશોકભાઈ દેવરામભાઈ જોષીએ દીપડો આવ્યો હોવાની અને હુમલો કર્યો હોવાની માહિતી ત્વરિત પોલીસને આપતા સવારે 8 વાગે જ ભીલડી પોલીસ અને વનવિભાગની ટીમ જુવારના ખેતરમાં પહોંચી ગઈ હતી. દીપડાને પકડી પાડવા માટે 3 ટીમોનું ગઠન કર્યું હતું. દાંતીવાડા, ડીસા અને પાલનપુરથી વનવિભાગનો સ્ટાફ દીપડાને પકડવાના પાંજરા સાથે ભીલડી પહોંચ્યો હતો. જોકે દિવસભર દીપડો જુવારના ખેતરમાં કઈ જગ્યાએ છે તેની ભાળ ન મળતા સાંજે પાંચ વાગ્યે ડ્રોન કેમેરો લવાયો હતો.

બાદમાં દીપડો રેલવે સ્ટેશનના બેરેકમાં હોવાની માહિતી મળતા જ તમામ રેસ્ક્યુ ટીમ રેલવેના બેરેક આસપાસ ગોઠવાઇ ગઇ હતી, રેલવે સ્ટેશન પર દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતાં જ અફડાતફડી મચી ગઈ હતી લોકોની ભારે ભીડ દીપડાને જોવા માટે ઉમટી ગઈ હતી, વનવિભાગના વેટરનરી ડો. જીતેન્દ્ર ભટોળ ટ્રેંક્યુલાઈઝ ગન લઈને શૌચાલયમાં ભરાઈ રહેલા દીપડાને પકડવા પાંજરું શૌચાલય આગળ ગોઠવી તેને બેહોશ કરવા ઇન્જેક્શનનું ફાયર કર્યું હતું. થોડીવાર બાદ તે બેહોશ થતાંજ પાંજરામાં લવાયો હતો. અને સલામત સ્થળે લઈ જવાયો હતો.

દીપડાના હુમલામાં 3ને ઇજાઓ થઈ હતી.
દીપડાના હુમલામાં 3ને ઇજાઓ થઈ હતી.

ઘાયલ ખેતમજૂરો
મગનજી મેવાજી ઠાકોર ઉં. 45 રહે.શિહોરી
બળવંતજી ઈશ્વરજી ઠાકોર ઉ.52 રહે.શિહોરી
અમૃતજી વરસંગજી ઠાકોર. રહે.દુદોસણ

દિવસભર ચાલેલી કામગીરી

 • સવારે 7 વાગ્યે હુમલો
 • 7 વાગે ભીલડી પોલીસ પહોંચી
 • બપોરે 12 વાગે પાલનપુર વનવિભાગની ટીમ ગન લઈને પહોંચી
 • બપોરે 3 વાગ્યા આસપાસ દીપડો બેરેકમાં ઘૂસી ગયો
 • દીપડાને શોધવા ડ્રોન કેમેરો મંગાવાયો
 • દીપડો બેરેકમાં હોવાની જાણ 2 કલાક બાદ 5 વાગે થઈ.
 • સાડા પાંચ વાગે શૌચાલય આગળનું પરફેક્ટ લોકેશન લઈ પાંજરૂ ગોઠવ્યું
 • 6 વાગે બેહોશ કરી સંપૂર્ણ રેસ્ક્યુ પૂર્ણ કરાયું.

ભીલડી રેલવે સ્ટેશનમાં ખલાસી તરીકે ફરજ બજાવતા દિનેશ ઠાકોર અને કાંતિભાઈ માજીરાણા દીપડાને બેરેકમાં આવતા જોઈ રૂમ બંધ કરીને સંતાઈ ગયા હતા. રેલવેના કર્મચારીઓએ જણાવ્યું કે બપોરે પોણા ત્રણ વાગે દીપડો બેરેકમાં આવી ગયો હતો પરંતુ તે સાંજે છ વાગે વનવિભાગ દ્વારા પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...