તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાલનપુરના ગઠામણ ગામના ખેતરમાં લગાવેલા ઝટકા મશીનથી કરંટ લાગતાં માતા અને બે પુત્રનાં મોત

પાલનપુર25 દિવસ પહેલા
માતા અને મૃતક સંતાનો.
  • પાલનપુરના ગઠામણ ગામની સીમની ઘટના
  • વીજ કંપની દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ

પાલનપુર તાલુકાના ગઠામણ ગામ નજીક સધીમાંના મંદિર પાછળ આવેલા એક ખેતરમાં ગુરુવારે સાંજે ખેતરમાં પશુઓને પ્રવેશતાં રોકવાના ઝટકા મશીનના વીજ-કરંટ લાગતાં માતા અને બે સંતાનનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. જોકે આ અંગે મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા પાલનપુર તાલુકાના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે.

જ્યાં ખેતરમાં ભૂંડ તેમજ અન્ય પશુઓ ખેતીના પાકને નુકસાન ન કરે એ માટે ઝટકા મશીન મૂકી તેના વીજ વાયર ખેતર ફરતે ગોઠવ્યા હતા. ત્યારે ગુરુવાર સાંજના સુમારે ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના પુત્ર ભાવેશભાઈની પત્ની કોકિલાબેન અને બાળકો જૈમિન (ઉં.વ 12) અને વેદુ (ઉં.વ.10) ખેતર પાસેથી પસાર થતાં ત્યારે આ વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગતાં માતા અને બંને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ. એ. ગઢવીએ જણાવ્યું હતું કે ગઠામણ નજીક ખેતરમાં મૂકેલા ઝટકા મશીનના કરંટથી 3નાં મોત નીપજ્યાની માહિતી મળી છે. આ અંગે વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.