ત્રણ તલાકના કેસમાં ગુજરાતમાં પહેલીવાર કોર્ટે આરોપીને સજા આપી છે. પાલનપુર સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ વર્ષ 2019માં સહકર્મચારી યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં બાદ પોતાની મુસ્લિમ પત્નીને ત્રણ તલાક આપ્યા હતા. આ કેસમાં પાલનપુરની બીજી એડિશનલ કોર્ટના જજે આરોપીને એક વર્ષની કેદ અને રૂપિયા 5,000ના દંડની સજા કરી હતી.
બીજી પત્ની ઘરે લાવી પહેલીને ત્રિપલ તલાક આપ્યાં
પાલનપુર તાલુકાના હેબતપુરના સરફરાઝખાન મહંમદ બિહારીનાં લગ્ન વડગામ તાલુકાના જુનીનગરીનાં શહેનાઝબાનુ સાથે થયાં હતાં. તેમને પુત્રી પણ છે. દરમિયાન વર્ષ 2019માં દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતી વખતે સરફરાઝ બિહારીએ સહકર્મી હિન્દુ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં. બીજી પત્નીને ઘરે લાવ્યા બાદ તેણે અગાઉની પત્નીને ત્રણ તલાક આપ્યા હતા. આ અંગે પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રથમ વખત સજા સંભળાવી
આ કેસમાં પાલનપુરની બીજી એડિશનલ ચીફ કોર્ટના ન્યાયાધિશ ગૌરવ દરજીએ સરકારી વકીલ સંજયભાઈ જોષી તેમજ ફરિયાદીના વકીલ ગોવિંદભાઈ ડી. મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાતમાં પ્રથમ વખત ત્રણ તલાક કેસના આરોપી સરફરાજ ખાનને સજા સંભળાવી હતી.
પ્રેમિકાથી પુત્ર જન્મ્યો તો પેંડા વહેંચ્યા, પત્નીએ વિરોધ કરતાં તલાક આપ્યા
સરફરાઝ ખાને સહકર્મી સાથે લગ્ન કરીને ઘરે પરત આવ્યો હતો. જોકે સાસરી પક્ષે સમજાવીને યુવતીને ભૂલી જવા મનાવ્યો હતો તથા સરફરાઝને પત્ની શહેનાઝ સાથે અલગ રહેવા મોકલ્યો હતો. જોકે બીજા લગ્ન બાદ સરફરાઝ પહેલી પત્ની સાથે સંબંધ રાખતો નહોતો. આ આરસામાં સરફરાઝની બહેન મુમતાઝ તેમજ તેની માતાએ શહેનાઝને પેંડા આપી કહ્યું હતું કે મારા ભાઈને દીપિકાથી બાબો આવ્યો છે. આનો શહેનાઝે વિરોધ કરતાં સરફરાઝે ગડદા-પાટુનો મારમારી ત્રણ વાર તલાક બોલીને ઘરમાંથી પુત્રી સાથે કાઢી મૂકી હતી.
મને અને મારી પુત્રીને આજે ન્યાય મળ્યો છે
પાલનપુર કોર્ટ સંકુલમાં શહેનાઝ બાનુએ જણાવ્યું હતું કે મારા પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી અમને તરછોડી દીધાં હતાં. આજે મને અને મારી પુત્રીને ન્યાય મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.