અંતિમ દર્શન:92 વર્ષના પિનાકીન જાની ઉર્ફે માતાજીનું ટૂંકી માંદગી બાદ નિધન, ગુરુવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સમાધિ આપવામાં આવશે

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના અંતિમ દર્શનની વ્યવસ્થા સેવકો દ્વારા કરાઈ રહી છે પરંતુ ભીડ ન થાય તે માટે મંજૂરી પાત્ર વાહનોને જ પ્રવેશ અપાશે
  • 81 વર્ષથી માત્ર સૂર્યપ્રકાશની ઉર્જાના સહારે જીવતા ચુંદડીવાળા માતાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા
  • 10 દિવસ પૂર્વે જ શરદી અને ખાંસીની તકલીફ થતાં અમદાવાદની હોસ્પિટલમાં બતાવ્યું હતું અને ત્યારબાદ તેમને ચરાડા ગામ લઈ ગયા હતા

વહેલી સવારે 4 વાગ્યે મોબાઈલ પર સમાચાર મળ્યા કે ચુંદડીવાળા માતાજીનું ચરાડા ગામ ખાતે નિધન થયું. તપાસ કરાવી તો ખબર પડી કે 10 દિવસ પૂર્વેજ શરદી અને ખાંસીની તકલીફ થતાં અમદાવાદથી હોસ્પિટલમાં બતાવ્યું હતું અને ત્યાર બાદ પરિવારજનો સીધા તેમને ચારડા ગામ લઈ ગયા હતા. દિવ્ય ભાસ્કરના ટીમ અંબાજી પહોંચી હતી જે અહેવાલ અહીં અક્ષર સહ પ્રસ્તુત છે.
સિંહાસન જેવી ખુરશી પર બિરાજમાન માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો
“દાંતાથી ત્રિશુલીયો ઘાટ ચઢીને હું લગભગ 11 વાગે અંબાજી પહોંચ્યો. અંબાજીથી ગબ્બર પહાડની પાછળજ વિરમપુર જવાના માર્ગ પર ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલો છે. પ્રવેશદ્વારે જ વાહનોને હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મીઓ દ્વારા રોકવામાં આવી રહ્યા હતા. મેં મારો પરિચય આપ્યો એટલે મને કાર સાથે અંદર જવા દીધો. એ જ વખતે માણસાના ધારાસભ્યની કાર પણ આવી. તેમાંથી કેટલાક સાથીદારો ઉતર્યા, ગાડીમાંથી ઉતરીને હેન્ડ સેનેટાઈઝ કરી પગથિયાં ચઢવા લાગ્યા. માતાજીને એમના મૂળ સ્થાન પર બેસાડવામાં આવ્યા હતા. માતાજી  અહીં એક વિશાળ હોલમાં નિયમિત ભક્તોને મળતા હતા. સિંહાસન જેવી ખુરશી પર બિરાજમાન માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમના નશ્વર દેહની બાજુમાં બરફની લાદીઓનો ઢગલો મૂકવામાં આવ્યો હતો. વારંવાર સફાઇ કરવામાં આવી રહી હતી.માતાજી મૂળ માણસા તાલુકાના ચરાડા ગામના હોવાથી મોટાભાગના લોકો ત્યાંના હતા. તેમનું પરિવાર અને નિકટના સમર્થકો વ્યવસ્થામાં જોડાયેલા હતા.  માત્ર 20 લોકોને અંતિમ ક્રિયાની પરમિશન અપાઇ હોવાથી અહીં ભીડ ન થાય તે માટે પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક ભક્તો ખૂબ દૂરથી આવીને માત્ર બે મિનિટ ના દર્શન કરીને તુરંત રવાના થતા હતા.
ગુરુવારે માતાજીને મંદિરની બાજુમાં સમાધી અપાશે
ગુરુવારે માતાજીને સમાધી અપાશે. અદભુત દૈવી શક્તિના અવતાર સમાન ચુંદડીવાળા માતાજીને અંબાજી ગબ્બર પાસેના આશ્રમ સ્થિત પ્રવેશદ્વારની ડાબી બાજુએ તેમના મંદિરની બાજુમાં જ ગુરુવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સમાધિ આપવામાં આવશે.
એક સાથે 20 ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર દૂરદૂરથી ભક્તો માતાજીના અંતિમ દર્શન કરવા આવે તેવી શક્યતાના પગલે મોટા હોલમાં એક સાથે 20 ભક્તો દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં કોરોના સંક્રમણનો ભય હોવાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પણ આશ્રમમાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.
15-15 દિવસ સુધી જેમની પર ટેસ્ટ થયા એ માતાજી ચમત્કારથી કમ નહોતા
માતાજીની અત્યંત નિકટ રહેતા તેમના સેવક અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન  જશુભાઈએ જણાવ્યું કે “15-15 દિવસ સુધી જેમની પર ટેસ્ટ થયા એ માતાજી ચમત્કારથી કમ નહોતા. અહીં આવનાર એક ભક્તે ભીની આંખે જણાવ્યું “સવારે જેવા ન્યૂઝ સાંભળ્યા નીકળી પડ્યા. 4 કલાકે અહીં પહોંચ્યા અને દર્શન કરી 2 મિનિટમાં પરત નીકળ્યા છીએ. પણ હજુ મન માનતું નથી. ચુંદડીવાળા માતાજીના અંતિમ દર્શન ની વ્યવસ્થા સેવકો દ્વારા કરવામાં આવી છે પરંતુ ભીડ ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવા પોલીસ દ્વારા મંજૂરી પાત્ર વાહનોનેજ પ્રવેશ અપાશે.
પૂર્વ સંકેત મળ્યો હોય તેમ સપ્તાહ પહેલાં જ પરિવારને અણસાર આપી દીધો હતો 
ચુંદડીવાળા માતાજીના નજીકના સેવક ચરાડા ગામના સુરેશભાઇ સોનીએ કહ્યું કે, માતાજી એક સપ્તાહ પૂર્વે જ ગામના પોતાના ઘરે આવ્યા હતા. એ સમયે તેમણે પરિવારના સભ્યોને કહ્યું હતું કે, મને કંઇ થાય તો અંબાજી ગુફામાં જ સમાધિ આપજો. ત્યારબાદ ટોટલી બેડરેસ્ટ હતા.

અન્ય સમાચારો પણ છે...