કાર્યવાહી:પાલનપુર નજીકથી કતલખાને લઇ જવાતાં 74 પશુઓ બચાવી લેવાયા

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિધ્ધપુરના કાકોશીના ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો
  • ​​​​​​​પાંજરાપોળના સંચાલકોએ ઈન્કાર કરતાં ખુલ્લામાં રાખતાં પાંચ પશુનાં મોત

પાલનપુર - આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસેથી જીવદયાપ્રેમીઓએ રવિવારે રાત્રે ટ્રકમાં કતલખાના લઇ જવાતા 74 પશુઓ બચાવી લીધા હતા. જોકે, પાંજરાપોળના સંચાલકોએ આ પશુઓ રાખવાની ના પાડતાં જીવદયાપ્રેમીઓમાં રોષ પ્રસર્યો હતો. દરમિયાન ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે સિધ્ધપુરના કાકોશીના ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર - આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસેથી પશુઓને કતલખાને લઇ જતી ટ્રક પસાર થતી હોવાની માહિતી મળતાં દાંતીવાડા નીલપુર કોલોનીના જીવદયાપ્રેમી હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા, મનીષભાઇ નારણાજી ભાટ, દિનેશભાઇ હરદાસભાઇ ચૌધરી સહિત જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી. જ્યાં આવેલી ટ્રક નં. જીજે. 01. જે.ટી. 4422ને ઉભી રખાવી અંદર તપાસ કરતાં ખીચોખીચ હાલતમાં અને ઘાસચારા- પાણીની વ્યવસ્થા કર્યા વિના કતલખાને લઇ જવાતાં 74 પશુ મળી આવ્યા હતા.

આ અંગે પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટ્રક ચાલક પાટણના સિધ્ધપુર તાલુકાના કોકોશીના નીશારભાઇ મહંમદભાઇ શેખને ઝડપી લીધો હતો. જોકે, આ અંગે જીવદયાપ્રેમીઓએ જણાવ્યું કે,પશુ પાંજરાપોળમાં મુકવાનું કહેતા પાંજરાપોળના સંચાલકોએ પશુઅો રાખવાનો ઇન્કાર કર્યો હતો. આથી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલા પશુઓ પૈકી પાંચના મોત નિપજ્યા હતા.

પશુઓ નંદાસણ લઇ જવાતા હતા
પાલનપુર ખેમાણા ટોલનાકા પાસેથી ઝડપાયેલી ટ્રકમાં 74 પાડા ભરેલા હતા. જે નશીરાબાદ અજમેરથી ભરી નંદાસણ લઇ જવામાં આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...