ઉજવણી:બનાસકાંઠા મેરવાડા ખાતે 68માં સહકાર સપ્તાહ દિનની ઉજવણી કરાઈ

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સહકારી સંઘ છેવાડાના ગામડાં સુધી સહકારી પ્રવૃતિ ઉજાગર કરે છે: ચેરમેન ભીખાભાઇ ચૌધરી

બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ પાલનપુર દ્વારા સહકાર સપ્તાહના આજના વિષય સહકારી માર્કેટીંગ, ગ્રાહકો, રૂપાંતર અને મુલ્ય સંવર્ધનની ઉજવણી પાલનપુરના મેરવાડા ખાતે યોજાઇ હતી.

બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ડીરેક્ટર અને જમીન વિકાસ બેંક પાલનપુર તાલુકાના ચેરમેન ભીખાભાઇ ચૌધરીના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રવચન કરતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા સહકારી સંઘ છેવાડાના ગામડાં સુધી સહકારી પ્રવૃતિ ઉજાગર કરે છે. દુધ મંડળીઓના, ક્રેડિટ મંડળીઓના સેમિનાર કરી સહકારી પ્રવૃતિ લોકો સુધી પહોંચાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવે છે.

સહકારી સંસ્થાઓ એ સમુદાય આધારિત આર્થિક સાહસનું એક મહત્વનું સ્વરૂપ છે. ઇફકો, કૃભકો, અમુલ, સહકારી બેંકો જેવી વિશાળ સહકારી સંસ્થાઓ છે. જે આમ જનતાની સામાજીક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે, જે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.ધી મેરવાડા દધુ ઉત્પાદક સહકારી મંડળી લી.ના ચેરમેન રતુભાઇ ચૌધરીએ મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત અને બહુમાન કરેલ તથા જિલ્લા સહકારી સંઘનો આભાર માન્યો હતો.

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના ડીરેક્ટર અને જિલ્લા સહકારી સંઘના ડીરેક્ટર નરસંગભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની સહકારી સંસ્થાઓના ઉત્થાન અને પ્રચાર, પ્રસાર માટે 14 મી નવેમ્બરથી 20મી નવેમ્બર દરમિયાન થનાર ઉજવણી સમગ્ર સહકારી પ્રવૃતિ માટેનું અનોખું પર્વ બની રહેશે. સહકારી પ્રવૃતિ એ જૂની પ્રવૃતિ છે, ગરીબ અને શ્રમિકોના વિકાસમાં મહત્વની ભુમિકા નિભાવે છે.

પાલનપુર તાલુકા પંચાયતના ડેલીગેટ એલ. સી. કરેણએ જણાવ્યું હતું કે, જિલ્લા સહકારી સંઘ ગામડે-ગામડે સહકારી પ્રવૃતિનો પ્રચાર પ્રસાર કરી રહી છે. જેના લીધે લોકો પ્રગતિશીલ બન્યાં છે. તેમણે આ કાર્યક્રમ એમના ગામમાં રાખવા બદલ જિલ્લા સહકારી સંઘના નિયામક મંડળનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમની આભારવિધી જિલ્લા સંધના એકાઉન્ટન્ટ ભારમલભાઇ પટેલે કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સહકારી સંઘના સી.ઇ.આઇ. રસિકભાઇ ચૌધરીએ કર્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સભાસદો, ભાઇઓ, બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...