વેકેશન પૂરુ શાળાઓ શરૂ:ધો.1 થી 5 માં 67 ટકા બાળકો હાજર રહ્યા

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના 20 મહિના પછી શાળામાં આવતા બાળકોના ચહેરા પર ખુશી વ્યક્ત થઈ
  • 2712 પ્રા. શાળામાં 4 લાખ બાળકો પૈકી 2,70 લાખ બાળકો હાજર, 1,70 લાખ ગેરહાજર રહ્યા,સ્કુલ ડ્રેસ, પુસ્તકોની દુકાનોમાં ભીડ

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ખુલેલી પ્રાથમિક શાળાઓમાં સોમવારે ધો.1 થી 5 માં 67 ટકા બાળકોની હાજર રહી હતી.જિલ્લાની 2712 પ્રાથમિક શાળામાં 4,00,000 બાળકો પૈકી 2,70,000 બાળકો હાજર રહ્યા હતા. જ્યારે 1,70,000 ગેરહાજર રહ્યા હતા.લગ્નગાળો ઉપરાંત નવા પુસ્તકો અને ગણવેશ સહિતની ખરીદી માટે વાલીઓ બાળકો સાથે બજારમાં જોવા મળ્યા હતા.

પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, થરાદ, વાવ, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, ભાભર અને સૂઇગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આજે સોમવારથી ધોરણ 1 થી 5ના છાત્રોનું ઓફ લાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, 2352 સરકારી પ્રાથમિક શાળા અને 360 ખાનગી શાળાઓ મળી કુલ 2712 શાળાઓમાં પ્રથમ દિવસે 45 ટકા એટલે કે 4,00,000 બાળકો પૈકી 2,70,000 બાળકો હાજર રહ્યા હતા. જ્યારે 1,70,000 ગેરહાજર રહ્યા હતા.

હાજર છાત્રોને છાત્રોને માસ્ક, સેનેટરાઇઝથી સુરક્ષિત કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક વર્ગ ખંડમાં કુલ છાત્રોની 50 ટકા સંખ્યા જ બેસાડવામાં આવી હતી. દરમિયાન શાળાઓ શરૂ થતાં મોટાભાગના વાલીઓ પોતાના બાળકો સાથે બજારમાં આવ્યા હતા. જ્યાં પુસ્તકો, ગણવેશ સહિત શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.

ધો. 1 થી 5માં બીજા સત્રમાં માત્ર સ્વાધ્યાય પોથી- નોટની ખરીદી થતી હોઇ 25 ટકા ઘરાકી
પ્રથમ શૈક્ષણિક સત્રમાં ધોરણ 1 થી 8 માં તમામ પુસ્તકો, નોટબુક, ગાઇડ સહિતની ખરીદી કરવામાં આવતી હોઇ 100 ટકા ખરીદી રહે છે. જોકે, બીજા સત્રમાં માત્ર સ્વાધ્યાય પોથીઓ અને નોટબુક જ ખરીદવામાં આવે છે. બીજા સત્રમાં 25 ટકા જ ઘરાકી રહે છે. રાજુભાઇ (વેપારી)

દોઢ વર્ષે ગણવેશની ખરીદીમાં તેજી આવી
દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાથી વાલીઓ પોતાના સંતાનો માટે સ્કુલનો ગણવેશ ખરીદતા ન હતા. દુકાનમાં માલ જેમનો તેમ પડી રહ્યો હતો. જોકે, હવે ઓફ લાઇન શિક્ષણ શરૂ થતાં વાલીઓ તેમના બાળકો માટે ગણવેશ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટ્યા હોઇ આ ચિજવસ્તુઓના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. રમેશભાઇ પટેલ (વેપારી)

ઘરે રહીને અમારા બાળકો લખવાનું ભૂલી ગયા
છેલ્લા 20 મહિનાથી શાળાઓ બંધ છે. સરકારે શેરી - મહોલ્લામાં બાળકોને શિક્ષણ આપ્યું હતુ. જોકે, તેમાં બાળકોએ કોઇ રૂચી રાખી ન હતી. અધુરામાં પુરૂ મોબાઇલ ફોન હાથમાં આવતાં લખવાનું તો ભૂલી જ ગયા છે. વર્ગખંડમાં શિક્ષણ શરૂ થતાં હવે બાળકોને ફાયદો થશે.> જલ્પાબેન ચૌધરી (વાલી)

નાના બાળકોને રસી અપાઇ હોત તો સારૂ હતુ
કોરોના ગયો નથી.મોટા શહેરોમાં કેસો નોંધાઇ રહ્યા છે. જેના માટે યુવક- યુવતીઓ સહિત વૃધ્ધજનોને વેકસિન આપવામાં આવી રહી છે.નાના બાળકોને પણ રસી અપાઇ હોત તો સુરક્ષિત બનત.> નિકિતાબેન દવે (વાલી)

ઘરમાં લગ્ન પ્રસંગ છે પત્યા પછી બાળકોને સ્કુલમાં મોકલશું
સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાનો લીધેલો નિર્ણય યોગ્ય જ છે. જેનાથી બાળકોની શિક્ષણ પ્રત્યેની જે રૂચી ઘટી ગઇ છે. તે વધશે. તમામે પોતાના બાળકોને શાળામાં મોકલવા જ જોઇએ. અમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોઇ તે પત્યા પછી બાળકોને સ્કુલમાં મોકલીશુ.> કિરણભાઇ મેવાડા (વાલી)

અન્ય સમાચારો પણ છે...