કોરોના ઇફેક્ટ:કોરોનાથી બનાસકાંઠા જિલ્લામાં 5મું મોત, જિલ્લામાં કોરોનાનો આંક 106 તો કુલ 82 લોકો સાજા થયા

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી જિલ્લામાં વધુ એક 55 વર્ષીય આધેડનું શ્વાસની તકલીફના લીધે મોત થતાં જિલ્લામાં કોરોનાથી કુલ 5 મોત થયા છે. આરોગ્ય વિભાગે જાહેર કર્યું કે ડીસાના સદરપુરના આધેડના ફેફસા બગડી જતા મોત નીપજ્યું હતું. તેમણે પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડમાં આખરી દમ લીધો હતો.  ડીસા તાલુકાના સદરપુર ગામના શંકરભાઇ હીરાભાઈ પરમાર 7 મેના રોજ અમદાવાદથી સદરપુર ગામે આવ્યાં હતાં. ત્યારે તેઓને શરદી અને ખાસીના લક્ષણો જણાતાં 16 મેના રોજ સમૌ પીએચસીમાં દાખલ કર્યા હતા. 23 મેના રોજ ડીસાની કોવિડ હોસ્પિટલમાં સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં પ્રથમ ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડ્યાં હતાં.ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.હરીયાણીએ જણાવ્યું હતું કે‘તેમને શ્વાસની તકલીફ હતી અને ફેફસાં બગડી ગયા હતા. જેના લીધે તેમનું મોત નિપજ્યું હતું.’  ઉલ્લેખનીય છે કે આ અગાઉ કુલ 4 ના મોત થયા હતા. જેમાં પાલનપુર કોવિડ હોસ્પિટલમાં 2 મોત થયા હતા. જ્યારે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં 2 મોત થયા હતા. જેમાં ભાગળ ગામના ફાતિમા ગુલામરસુલ ઢુક્કા, ધાનેરાના શાહરુખ સૌકતભાઇ મુસલા, થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને અમદાવાદના ચાંદખેડા રહેતાં હરગોવનદાસ હસમુખલાલ ત્રિવેદી,ડીસાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતાં અને અમદાવાદથી આવેલા રમીલાબેન રમેશભાઇ શાહનું અવસાન થયું હતું.

પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ પાંથાવાડાની યુવતીએ કોરોનાને મ્હાત આપતાં રજા અપાઈ

પાંથાવાડાના વિદિબેન ખેમાભાઇ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને પાલનપુર સિવિલની કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા.જ્યાં તેમને 10 દિવસ સુધી સારવાર અપાયા બાદ શુક્રવારે હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. આ સાથે જિલ્લામાં સાજા થયેલા કુલ 82 દર્દીઓને રજા આપી છે. જ્યારે 19 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...