પ્રચાર પડઘમ શાંત:522 સરપંચ માટે 1877,1962 સભ્યો માટે 4562 ઉમેદવારો

બનાસકાંઠાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 528 મતદાન મથકો પર 9865 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે,156 ઝોનલ અધિકારીઓની નિમણૂક કરાઈ

બનાસકાંઠા જિલ્લાની 588 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઇ હતી. જે પૈકી 60 બિનહરીફ હતી જ્યારે 46 પંચાયતો સમરસ થઈ હતી.સરપંચની 68 બેઠકો જ્યારે વોર્ડની 3262 બેઠકો બિનહરીફ થઇ હતી. જે બાદ 528 ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણી યોજાઇ રહી છે.

જેમાં 13.48 લાખ મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગ લેશે. 522 સરપંચની બેઠકો માટે 1877 જ્યારે 1962 વોર્ડની બેઠકો માટે 4562 ઉમેદવારો મેદાનમાં છે. 528 મતદાન મથકો પર 9865 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.156 ઝોનલ અધિકારીઓની નિમણૂક કરી છે. જિલ્લાના 10 સૌથી મોટા ગામોમાં દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી.

દિયોદરમાં બે પેનલ આમને સામને કાંટાની ટક્કર
દિયોદર તાલુકામાં કુલ 29 ગામોમાં શામળા પંચાયત ત્રીજી વખત સમરસ જાહેર થતા વર્તમાન સમયે 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. સૌથી મોટી દિયોદર ગામ પંચાયતની કુલ વસ્તી 14,912 અને દિયોદરનું મતદાન 11,831 સ્ત્રી પુરુષ મતદારો છે ત્યારે વર્તમાન સમયે સરપંચ પદે બે મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બંને 16 સભ્યોની વોર્ડની પેનલથી ચૂંટણી યોજાઇ રહેલ છે ત્યારે કુલ 16 પૈકી 32 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

થરાદ : ડુવા ગામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ
ડુવા ગામમાં આ વખતે એસ.ટી.(આદિવાસી) મહિલા અનામત સીટ છે. 4400નું મતદાન છે. પંચાયત મકાન નથી. ગામમાં રસ્તાઓનો અભાવ છે. ગામમળની વ્યવસ્થા અને બસ સ્ટેશન નથી.હજુ દબાણમા લોકો રહે છે.ડુવા ગામને જોડતાં 6 ગામ છે. તેમાં 2 ગામને જોડતાં રસ્તા છે.4 ગામોને જોડતાં રસ્તા પણ હજુ નથી. ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણી માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. 12 વોર્ડ પૈકી 7 વોર્ડ બિનહરીફ થઇ ગયા છે. જ્યારે 5 વૉર્ડમાં ચૂંટણી રસાકસીભર્યા માહોલમાં યોજાનાર છે.

લાખણીના કોટડામાં પાંચ ઉમેદવાર વચ્ચે જંગ
લાખણી તાલુકાના કોટડા ગામમાં 2584નું મતદાન છે.ગામમાં પાણીનો ભરાવો થવાની સમસ્યા છે.તળાવની કામગીરી હજુ બાકી છે. પી.એચ.સી. દવાખાનું મંજૂર કર્યું છે, પરંતુ તેની બાકીની પ્રક્રિયા હજુ બાકી છે. ગામમાં સ્મશાનભૂમિની પણ જરૂરિયાત છે.સરપંચ પદની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. 10 વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ થયો છે.જ્યારે 9 વોર્ડની ચૂંટણી પણ યોજાનાર છે. ગ્રા.પં.ની આ વખતની બેઠક સામાન્ય બિનઅનામત છે.

ઇકબાલગઢમાં દસ જણને સરપંચ બનવા અભરખા
ઇકબાલગઢમાં દસ જણાએ સરપંચની ચૂંટણીમાં જમ્પલાવ્યું છે ગામમાં રોડ ગટર તેમજ વરસાદી પાણીનો નિકાલ સમસ્યા ઉપરાંત રાહતના પ્લોટની ફાળવણી કરે બી.પી.એલ. માં ખરેખર જરૂરિયાત મંદ નો સમાવેશ કરવામાં આવે અને ગામમાં તમામ જાતિઓને સાથે લઈ ને ચાલે તેવી માંગો તેમજ આશા લઇને ગ્રામજનો બેઠા છે.

દાંતા ગ્રામ પંચાયતમાં ત્રિપાંખિયો જંગ
દાંતામાં ગત ટર્મમાં સરપંચ તરીકે બક્ષીપંચ મહિલા ઉમેદવારની બેઠક હતી. જ્યારે વર્તમાન ચૂંટણીમાં જનરલ સીટ જાહેર થતાંજ તાલુકા મથકે રાજકીય ચોપાટ ગરમાઈ છે. 12 સદસ્યનું બળ ધરાવતી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચની બેઠકમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. તમામ ભાવિ સરપંચ ઉમેદવારો પ્રજાની સુખ સુવિધા માટે ના દાવા જાહેર કરી રહ્યા છે. ત્યારે છ હજાર જેટલી વસતિ ધરાવતા તાલુકા મથકે ઘર કરી ગયેલી સમસ્યા જેવી કે ઉબડ ખાબડ માર્ગો, રસ્તા સફાઈ, ગટર સફાઈ, જાહેર માર્ગો સહીત શેરી મહોલ્લાઓના દબાણ સાથે ગૌચર નું દબાણ અને હાઇવે માર્ગ પર લાઇટિંગ અસુવિધા સાથે એસ. ટી. સ્ટેન્ડ ની અસુવિધા બાબતે પ્રજા જનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

મીઠામાં તમામ સભ્યો બિનહરીફ,માત્ર સરપંચની ચૂંટણી
ભાભર તાલુકામાં સૌથી વધુ મતદારો ધરાવતી મીઠા ગ્રામ પંચાયત છે. 3200 મતદારો ધરાવતું તાલુકાનું સૌથી મોટુ ગામ છે સરપંચના બે ઉમેદવારો મેદાનમાં છે અને તમામ સભ્યો બિનહરીફ થયેલ છે. આ ગામ મોટુ હોવાથી તમામ કોમની વસ્તી વસવાટ કરે છે. લોકોને વિકાસના કામો માટે સરપંચ ઉમેદવારો દાવા કરી રહ્યા છે.

ગઢમાં ઇતર સમાજના મતો નિર્ણાયક
ગઢ ગ્રામ પંચાયતની મહિલા સરપંચની ચૂંટણીમાં ગઢમાં 5230 પુરુષ મતદારો તેમજ 4981 સ્ત્રી મતદારો સાથે કુલ 10,211 મતદારો છે.જ્યાં મહિલા સરપંચમાં કુલ 9 ઉમેદવારો પૈકી 4 ઉમેદવારોએ સમર્થન જાહેર કરતાં હાલ પાટીદાર સમાજની 5 મહિલાઓ સરપંચની ચૂંટણીની રેસમાં છે.ગઢમાં કુલ 14 વોર્ડમાંથી 5 વોર્ડ બિનહરીફ થયાં છે.અને 9 વોર્ડની ચૂંટણીમાં 27 ઉમેદવારો હાલ ચૂંટણી જંગ ખેલી રહ્યાં છે.પાટીદાર સમાજના 5 ઉમેદવારોમાં મત વહેંચાશે તો સરપંચની સીટ ઉપર ઇતર સમાજનાં મત નિર્ણાયક રહેશે.

પાંથાવાડામાં રસ્તા,પાણી અને ગટર લાઈનની માંગ
પાંથાવાડા ગ્રામ પંચાયત ગ્રામજનો રસ્તા,પાણી અને ગટર લાઈન જેવી પૂરતી સુવિધાઓની માંગ કરી રહ્યા છે. હાલમાં સરપંચ પદ માટે અનુ.જન.જાતિ સીટ ફાળવવામાં આવી છે, જેમાં 4 સરપંચ અને 40 વોર્ડ સદસ્યોએ મેદાને ઉતર્યા છે.

શિહોરીમાં એસટી બેઠક પર કોઈ ઉમેદવાર નહિ
શિહોરીમાં કુલ મતદાન 11,678 છે, અને 18 વોર્ડ છે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 5 ઉમેદવારો ચૂંટણી લડે છે અને 18 વોર્ડમાં 46 કુલ સભ્યો ચૂંટણી લડ છે, જેમાં 3 વોર્ડ બિનહરીફ થયેલ છે અને એસટી બેઠક હોવાથી ખાલી છે અહીં કોઈ ઉમેદવાર નથી.

વાવમાં એક જ પરિવારના ચાર ઉમેદવારો વચ્ચે જંગ
વાવમાં 16 વોર્ડમાંથી 12 વોર્ડ બિનહરીફ 4 વોર્ડમાં ચૂંટણી યોજાશે. વાવમાં 14 હજારની જનસંખ્યા 8200નું મતદાન છે. અહીં એકજ વેજીયા પરિવારમાંથી 4 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ગામમાં અમુક વિસ્તારોમાં પૂરતું પાણી,ગટર ચોમાસુ પાણી ભરાવોની મુખ્ય સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...