બનાસકાંઠા જિલ્લા સહિત અમદાવાદ શહેર અને મહેસાણા તેમજ પાટણ જીલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી પાડયા છે. જેમાં પાલનપુર શહેર પશ્ચિમ અને પાલનપુર પૂર્વ પોલીસ મથક વિસ્તારના 8 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. રાજ્યના જુદાં જુદાં શહેરો અને જિલ્લાઓમાં મોટર સાયકલોની ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
ગાંધીનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગાંવ ગામના હરેશ સતરારામ ભીલ તથા અમરત જવાનજી ભીલ અને પ્રવિણ સતનાજી ભીલ મોટર સાયકલની ચોરી કરી રાજસ્થાનમાં લઇ જઇ વેચી રહ્યા છે અને આજે હરેશ ભીલ તથા અમરત ભીલ અમદાવાદથી બે ચોરીના મોટર સાયકલો લઈ નીકળેલ છે. જે કલોલ હાઈવે થી રાજસ્થાન તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે બન્નેને કલોલ નજીકથી ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા અને તેમની પાસેના મોટર સાઇકલના આધાર પુરાવા માંગતા સમગ્ર વાહન ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો.
અને તેમની સાથે તેમના ગામના અન્ય એક મિત્ર પ્રવીણ ભીલ સાથે મળી ગુજરાતના અલગ અલગ સ્થળે ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. અમદાવાદ શહેર, બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથક વિસ્તારના કુલ 15 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. પોલીસે ત્રણેય આરોપી પાસેથી કુલ 26 જેટલા મોટરસાયકલો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપીઓ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાએ કોઇની નજર ના પડે તે રીતે મોટરસાઇકલોના લોક ખોલી તેની ચોરી કરતા અને ચોરી કરેલ મોટરસાયકલ તેમના અન્ય સાગરીત પ્રવીણ નો સંપર્ક કરી રાજસ્થાનના જુદા જુદા અંતરિયાળ ગામોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.
આ વાહન ચોરીના ભેદ ઉકેલાયા
અમદાવાદ શહેરના ચાંદખેડા અને વાસણા પોલીસ સ્ટેશન તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન તેમજ મહેસાણા જિલ્લાના મહેસાણા સીટી બી ડીવીઝન અને ઊંઝા પોલીસ સ્ટેશન તેમજ પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ મથક વિસ્તારના વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા છે.
ગુજરાતના અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી મોટર સાયકલોની ચોરી કરી આરોપીઓ રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં સસ્તા ભાવે બાઈક વેચી દેતાં હતાં. ભીડભાડવાળી જગ્યાએથી કોઇની નજર ના પડે તે રીતે મોટરસાયકલના લોક ખોલી ચોરી કરીને તેમના સાગરીત પ્રવિણનો સંપર્ક કરી રાજસ્થાન મોકલી દીધાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.