યુવતીનું અપહરણ:પાલનપુરના સુંઢામાં 181 અભયમની ટીમ પર હુમલો કરી કબજામાં રહેલી યુવતીને લઈ ગયા!

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • પ્રેમ લગ્ન કરનારી યુવતીને પરિવારજનો ઘરમાં પૂરી દેતાં યુવતીએ મદદ માગી હતી
  • સરપંચ સહિત 13 વ્યકિત સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ

પાલનપુર તાલુકાના સુંઢા ગામે પ્રેમ લગ્ન કરનારી યુવતીને અન્યત્ર પરણાવવા માટે પરિવારે તાળુ મારી ઓરડામાં પુરી દીધી હતી. જેણે બનાસકાંઠા 181 અભયમની ટીમ પાસે મદદ માંગી હતી. ટીમ તેણીને છોડાવી પાલનપુર આશ્રય સ્થાને લઇ આવી રહી હતી. ત્યારે યુવતીના પરિવારે અભયમની ટીમ ઉપર હૂમલો કરી દીધો હતો. અને યુવતીને ગાડીમાં નાંખી અપહરણ કરી ગયા હતા.

યુવતીને ઘરમાં પૂરી તાળું મારી દીધું
આ અંગે મહિલા પોલીસ કર્મીએ ગામના સરપંચ સહિત 13 વ્યકિતઓ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહ્યત યુવતીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના સુંઢા ગામે એક યુવતીને અન્યત્ર લગ્ન કરાવવા માટે પરિવારે તેણીને ઓરડામાં પુરી તાળુ મારી દીધું હતુ.

પરિવારજનોએ અભયમની ટીમ પર હુમલો કર્યો
જેણે બનાસકાંઠા 181 અભયમની મદદ માંગતા કાઉન્લેસર જીનલબેન પરમાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ મમતાબેન ગામમાં પહોચ્યા હતા. જ્યાં ઘરમાં પુરેલી યુવતીને છોડાવી તેના કહેવા પ્રમાણે પાલનપુર આશ્રય સ્થાને લઇ જવામાં આવી રહી હતી. ત્યારે પરિવારના સભ્યો તેમજ સબંધીઓએ અભયમની ટીમ ઉપર હૂમલો કરી ધક્કા - મુક્કી, હાથાપાઇ કરી યુવતીને ટીમના કબ્જામાંથી ગાડીમાં અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે મહિલા કોન્સ્ટેબલ મમતાબેને ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

યુવતીને ગળેટૂંપો આપ્યો, ધક્કામુકી- હાથાપાઇ કરી
181 અભયમની ટીમ ઘરે પહોચી ચાવીથી તાળુ તોડી ઘરમાં ગઇ ત્યારે યુવતીએ રડતાં રડતા આપવિતી કહી હતી. જેણે અહિંયા રહેવાની ના પાડતાં ટીમ સાથે લઇ જઇ રહી હતી ત્યારે ધક્કા - મુક્કી કરી ટુંપો આપી પરથીભાઇ અમુભાઇ ભુટકા, ભુપેન્દ્રભાઇ અમુભાઇ પટેલ, અમૃતભાઇ ચેલાભાઇ આંટીયા, યુવતીની માતા, પરથીભાઇની પત્નિ, ભુપન્દ્રભાઇની પત્નિ, ગોવિંદભાઇ, શૈલેષભાઇ, યુવતીના મોટા કાકા, યુવતીના નાના કાકા, યુવતીના માસા- માસી, અને ગામના સરપંચે 181 ગાડી તોડી નાંખવાની ધમકી આપી સફેદ કલરની ટાટા સુમોમાં અપહરણ કરી ગયા હતા.

અપહૃત યુવતીની શોધખોળ ચાલુ છે
પાલનપુરના સૂંઢા ગામે 181 અભયમની ટીમ ઉપર હુમલો કરનારા ફરાર આરોપીઓ સામે ગૂનો નોંધી અપહૃત યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે. - એલ. જે. વાળા (પીએસઆઇ ,ગઢ)