દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 17મો દિક્ષાંત સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલી યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ર્ડાક્ટરેટ કક્ષાના કુલ-435 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી પદવી એનાયત કરી હતી.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી સંબોધન કરતાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, "આજે આપણી સામે ગ્લોબલ વોર્મિગ, જળ, જમીન અને પર્યાવરણનું પ્રદૂષણ સહિત ખેતીના ક્ષેત્રમાં અનેક પડકારો છે તેનો સામનો કરવા કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો નવા સંશોધનો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, 60 ના દશકામાં ખાદ્યાન્નની આપૂર્તિ માટે આપણે હરીયાળી ક્રાંતિ લાવી એ સમયે તે વરદાનરૂપ સાબિત થઇ હતી. પરંતુ ત્યારબાદ રાસાયણિક ખાતરોનો અંધાધૂંધ ઉપયોગ અભિશાપ બની રહ્યો છે. રાસાયાણિક કૃષિનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનુપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેમણે કહ્યું કે, ઘઉં, ચોખા અને બટાકા સહિતની શાકભાજીઓમાં વપરાતા વધુ પડતા રાસાયણિક ખાતરોથી અનેક પ્રકારના રોગો અને બિમારીના પ્રમાણમાં વધારો થયો છે. કેન્સર જેવા ભયંકર રોગો થવાનું મૂળ કારણ ખાનપાન છે. આજે આપણી સામે કૃષિ ક્ષેત્રમાં અનેક પડકારો છે ત્યારે તેના નિરાકરણ માટે આ દિશામાં નવેસરથી વિચારવાની જરૂર છે. રાજ્યપાલશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સંશોધન દ્વારા પ્રાકૃતિક કૃષિને વધુ લાભાદાયી બનવવા અનુરોધ કર્યો હતો."
પ્રાકૃતિક ખેતી અપનાવીને તંદુરસ્ત અને સુખી જીવન જીવી શકાય : રાજ્યપાલ
રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, "દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવીને તંદુરસ્ત અને સુખી જીવન જીવી શકાય છે. દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે." તેમણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કરતા જણાવ્યું કે, આપણી કૃષિ યુનિવર્સિટીઓ પાસે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતના ખેડુતો રાસાયણિક ખેતીના વિકલ્પરૂપે પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં પ્રયાસો કરીએ.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે : રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિનુપજાઉ જમીનને પણ આ પદ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે. રાજ્યપાલએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે, હરીયાણા- કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 8-10 વર્ષથી હરીયાણાના કુરૂક્ષેત્ર- ગુરૂકુળની 200 એકર જમીનમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. મને જયારે વિશ્વાસ થયો કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે ત્યારબાદ મેં હિમાચલ પ્રદેશમાં ખેડુત સંમેલનો કરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયાસો શરૂ કર્યા હતા. આજે હિમાચલ પ્રદેશમાં ખેડુતો મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને તે બધા ખેડુતો સફળ પણ થયા છે તેમ તેમણે જણાવ્યું હતું.
ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી : કૃષિ મંત્રી
ગાંધીનગરથી વર્ચ્યુઅલ સંબોધન કરતા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, તમારા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ કટીબધ્ધતાથી અદા કરીએ. તેમણે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને રાજય સરકાર વતી શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, સતત અને સખત પરિશ્રમથી જ સફળતા મેળવી શકાય છે. યુવાનીના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જિંદગીમાં આગળ વધીએ અને દેશના વિકાસમાં યોગદાન આપીએ. સમગ્ર દેશમાં કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાતની મોડેલ સ્ટેટ તરીકે ગણના થાય છે. ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી છે.
બાગાયતી ખેતીમાં ઉંચા વળતરની અમૂલ્ય તકો : કૃષિ મંત્રી
કૃષિ મંત્રીએ કહ્યું કે, રાજય સરકારના પરિણામલક્ષી પ્રયાસોને પરિણામે ગુજરાતે બાગાયતી ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. બાગાયતી ખેતીમાં ઉંચા વળતરની અમૂલ્ય તકો છે. જે ધ્યાને લઇ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન હેઠળ ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ શરૂ કરવામાં આવ્યા છે. શાકભાજી માટે વદરાડ, કેરી માટે તલાલા અને ખારેક માટે કુકમા (ભૂજ) ખાતે એમ કુલ ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે. તેમજ આદિજાતિ જિલ્લાઓ જેવા કે, અરવલ્લી, નર્મદા અને પંચમહાલ ખાતે નવા સેન્ટર ઓફ એક્સેલન્સ નિર્માણ પામી રહ્યા છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સ ખેડુતો સુધી નવી ટેકનોલોજીના વિસ્તરણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતુ.
આત્મનિર્ભર ખેડુત અને ખેતીથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ : ર્ડા. આર.સી.અગ્રવાલ
આઇ.સી.એ.આર. નવી દિલ્હીના ડેપ્યુનટી ડાયરેકટર જનરલ ર્ડા. આર.સી.અગ્રવાલે દિક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું કે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને પ્રગતિ જોઇને આનંદ થાય છે. પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યુ છે ત્યારે ગુજરાત તેમાં લીડ રોલ ભજવશે તેવી મને આશા છે. નવી શિક્ષણ નીતિમાં સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે તે દિશામાં પ્રયાસો કરી ખેડુતોની આવક બમણી કરવા કટીબદ્ધ બનીએ. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ખેડુત અને ખેતીથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે.
પ્રારંભમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણે સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામના પાઠવી યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ તથા પ્રગતિની વિગતો આપી હતી.
કુલપતિના વરદ હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ર્ડા. જે.આર. વડોદરીયાએ આભારવિધિ કરી હતી. દિક્ષાંત સમારોહમાં કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રોફેસરઓ, અધિકારીઓ તથા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.