મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે.
મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી. એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી. સમગ્ર કેસમાં કુલ 17 આરોપી હતા, જેમાં 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. એમાં 12 આરોપીમાંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં તેઓ હજાર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો. 12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સજા ફટકારવામાં આવી છે.
આ મામલે NCP નેતા રેશમા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ, પરંતું બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહિ શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશાં લડતા રહીશું.
શું હતો સમગ્ર મામલો?
21 જૂન 2017ના રોજ બનાસકાંઠાના ધાનેરા ખાતે બનેલા બનાવને લઈને મહેસાણા ખાતે 12 જુલાઈ 2017ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કન્વીનર કૌશિક પરમારે મહેસાણામાં આવેલા સોમનાથ ચોકમાં સભા અને રેલીનું આયોજન કર્યું હતું. જોકે સભા યોજવા અને રેલી કાઢવા અંગેની કોઈ પરમિશન ના લેતા મહેસાણા એ ડિવિઝન પી.આઈ વી.જે.જાડેજાએ સભામાં સામેલ 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પરમિશન વિના સભા યોજવનાર કૌશિક બાબુભાઈ પરમાર,રમુભાઈ શિવાભાઈ પરમાર, ખોડીદાસ ઈશ્વર ભાઈ ચૌહાણ,ગૌતમ શ્રીમાળી, શાહ કપીલ ગૌતમ ભાઈ, પરમાર અરવિંદભાઈ દલપતભાઈ, ગૌતમ રસિકલાલ બોધ, પરમાર જોઈતારામ સોમાભાઈ , લાલજીભાઈ પરાગભાઈ મહેરિયા, સતિષ અંબારામ ભાઈ પટેલ,જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, મુકેશ શાહ,કનૈયા કુમાર, સુરેશ પટેલ ઉર્ફ ઠાકરે, નરેન્દ્ર ભાઈલાલ પરમાર, રેશમા પટેલ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
થોડા સમય પહેલા આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન મળ્યા હતા
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની PM મોદી પર ટિપ્પણીના કેસમાં આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જે કેસમાં કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા.
આમને સજા ફટકારી
1. કૌશિક કુમાર બાબુલાલ પરમાર (બાલીયાસણ, મહેસાણા)
2. રમુભાઇ શીવાભાઇ પરમાર ( રહે.આંબેડકર ચોક, મહેસાણા)
3. ખોડીદાસ ઇશ્વરદાસ ચૌહાણ (રહે. ગુરુકૃપા સોસાયટી, મહેસાણા)
4.ગૌતમભાઇ લાલજીભાઇ શ્રીમાળી, (રહે. સિનસીટી સોસાયટી, વિસનગર લીંક રોડ)
5. કપિલભાઇ ગૌતમભાઇ શાહ રહે. આંબેડકર ચોક, મહેસાણા
6. અરવિંદભાઇ દલપતભાઇ પરમાર (રહે. આંબેડકર ચોક, મહેસાણા)
7. જોઇતારામ સોમાભાઇ પરમાર (રહે. કલાપિ નગર અમદાવાદ
8. રેશ્મા વિઠ્ઠલભાઇ પટેલ (રહે. સાંઇનાથ ટેનામેન્ટ, વસ્ત્રાલ, અમદાવાદ)
9. સુબોધ બળદેવભાઇ પરમાર (રહે. લીંચ, તા. મહેસાણા)
10. જીગ્નેશ નટવરલાલ મેવાણી, (રહે. અમદાવાદ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.