તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીનો માર:કોરોના અને ડીઝલ ભાવવધારાનો બેવડો માર પાલનપુર પંથકમાં 1000 જીપનાં પૈડાં થંભ્યાં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપોનું સ્થાન સીએનજી રિક્ષાએ લીધું, દૈનિક 3000 રિક્ષાઓમાં મુસાફરોની થતી હેરાફેરી

જિલ્લા મથક પાલનપુરને સાંકળતા 40 કિલોમીટરના તાલુકા સેન્ટર અને ગ્રામિણ વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ મુસાફરોની હેરાફેરી કરતી 1000 જેટલી જીપોના પૈડા થંભી ગયા છે. કોરોનામાં મંદી બાદ ડીઝલના ભાવ વધતાં બેવડો માર સહન ન થતાં આ જીપ માલિકો વાહન વેચી સીએનજી રિક્ષા ખરીદી રહ્યા છે. જ્યાં દૈનિક 3000 રિક્ષાઓમાં મુસાફરોની હેરાફેરી થઇ રહી છે.

પાલનપુરના માલણ, ધાણધા, વાસણ, ભાગળ, ગઢ, મડાણા, ચડોતર, ચંડીસર, કાણોદર, ઉપરાંત અમીરગઢ, વડગામ, જલોત્રા, મુમનવાસ, છાપી, દાંતા, દાંતીવાડા તાલુકા સેન્ટરોમાંથી મોટી સંખ્યામાં લોકો ધંધા- રોજગાર માટે આવા ખાનગી વાહનોમાં અપ -અપડાઉન કરી રહ્યા છે.

ગ્રામિણ વિસ્તારોમાંથી 3000 રિક્ષા દ્વારા મુસાફરોની થતી હેરફેર
પાલનપુરમાં સીએનજી રિક્ષાઓની સંખ્યા 4000 જેટલી છે. જ્યારે આજુબાજુના 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાંથી 3000 જેટલી રિક્ષાઓની રોજીંદી અવર જવર દ્વારા મુસાફરોની હેરફેર કરવામાં આવી રહી છે.સાજીદભાઇ મકરાણી (પ્રમુખ, રિક્ષા એસો.પાલનપુર)

એક વર્ષમાં 705 નવી સીએનજી રિક્ષાઓનું રજિસ્ટ્રેશન થયું:RTO
બનાસકાંઠા આરરટીઓ અધિકારીએ જણાવ્યું કે, જીલ્લામાં એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમિયાન કુલ 705 થ્રી વ્હીલર નવા વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જે પૈકી 662 મુસાફર સીએનજી રિક્ષા અને 43 માલવાહક રિક્ષાઓ બજારમાં નવી આવી છે.

સરકારની નવી સ્ક્રેપ પોલિસીથી જુના વાહન ચાલકોને નુકશાનની ભીતિ થવાનો ડર
સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલીસીનો અમલ કરવામાં આવનાર છે. જેમાં વર્ષો જુના વાહનોને રોડ ઉપરથી હટાવી લેવામાં આવનાર છે. ત્યારે જુની જીપો સહિતના ફોર વ્હીલર વાહન ચાલકોને નૂકશાન સહન ન કરવું પડે તે માટે આવા વાહનો વેચવા કાઢવામાં આવી રહ્યા છે.રાજેશભાઇ પટેલ (ઓટો કન્સલન્ટ)

મોંઘવારીના મારથી વાહનચાલકોએ જીપ વેચી રિક્ષા વસાવી
કિસ્સો: 1.ડીઝલનો ભાવ ન પોસાતા જીપ વેચી રિક્ષા લાવ્યો છું

કોરોનામાં લોકડાઉન થઇ જતાં બજાર બંધ રહેતી હતી. એટલે મુસાફરો ન મળતાં ગાડી ઘરે જ પડી રાખી હતી. જે પછી હવે ડીઝલ 100 રૂપિયે લીટર પહોચવા આવ્યું છે. જે ન પોષાતા મારી કમાન્ડર જીપ વેચી સીએનજી રિક્ષા ખરીદી છે.: બાજીતખાન જાગીરદાર

કિસ્સો: 2. ડીઝલના અસહ્ય ભાવ વધતાં હવે જીપ પોષાય તેમ નથી
પાલનપુર મુસાફરો ભરીને આવતા હતા. જ્યાં કબ્રસ્તાન વિસ્તારમાં આવેલા જીપ સ્ટેન્ડે આખો દિવસ ઉભા રહીએ ત્યારે માંડ ત્રણ સટલના મુસાફરો મળતા હતા. રિક્ષા ચાલકો મુસાફરો લઇ જતાં હોઇ તેમજ ડીઝલના ભાવ પણ વધતાં હોઇ હવે જીપ પોષાય તેમ નથી. જેથી વેચવા માટે કાઢી છે. : ફ્લાજી ઠાકોર

કિસ્સો: 3. ચાર પાંચ મુસાફરો મળ્યા એટલે આ ઉપડ્યા
કમાન્ડર જીપ વેચીને સીએનજી રીક્ષા લાવી છે. અગાઉ જીપમાં પુરેપુરા (15 મુસાફરો) બેસે ત્યારે સટલ ઉપાડતા હતા. જોકે, હવે રિક્ષામાં ત્રણ- ચાર મુસાફરો મળે એટલે ઉપડી જઇએ છીએ. ગેસમાં સારૂ એવું મળતર રહે છે. દિનેશભાઇ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...