હુમલો:ધાનેરાના સિલાસણા ગામમાં પશુદાણ ન આપતાં દુધ ડેરીના મંત્રી પર હુમલો

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંથાવાડા પોલીસ મથકે આમને સામને ફરિયાદ નોંધાઇ હતી

ધાનેરા તાલુકાના સિલાસણા ગામે પશુદાણ આપવાની બાબતે ગ્રાહક તેમજ દુધ ડેરીના મંત્રી વચ્ચે નજીવી બાબતમાં ધિંગાણુ થવા પામ્યું હતું. જેમાં ગ્રાહકે મંત્રીના માથામાં પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારે મંત્રીએ પણ ગ્રાહકને માર મારતાં આમને-સામને પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સિલાસણા ગામે સવારે દુધ ભરાવવાના સમયે દુધ ડેરીના મંત્રી ભુરાભાઇ વજાભાઇ પટેલ દુધ ભરતા હતા. ત્યારે ગામના ઇશ્વરભાઇ મઘાભાઇ પટેલ અન્ય ઇસમો સાથે આવી કેમ દાણ આપતા નથી કહીને અપશબ્દો બોલતા મંત્રીએ અપશબ્દો બોલવાની ના પાડતાં શખ્સોએ સાઇડમાં પડેલ પથ્થર મંત્રીના માથામાં મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. મંત્રીના ભાઇ દેવાભાઇ ત્યાં હાજર હોઈ વચ્ચે પડતા તેમને પણ પથ્થર મારતાં ઇજાઓ પહોંચી હતી.

જ્યારે બીજી તરફ આ પથ્થરમારામાં ઇશ્વરભાઇ મઘાભાઇને પણ આંખના ભાગે ઇજા થઈ હતી. જેથી 108 મારફતે દુધ ડેરીના મંત્રી તથા તેમના ભાઇને સારવાર માટે ધાનેરા રેફરલમાં લવાયા હતા. જ્યારે એક ઇસમને પાંથાવાડા ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. ત્યારે પાંથાવાડા પોલીસ મથકે આમને-સામને ફરીયાદ થવા પામી હતી. જેમાં ઇશ્વરભાઇના ભાઇ મહાદેવભાઇએ દેવાભાઇ વજાભાઇ પટેલ તથા ભુરાભાઇ વહાભાઇ પટેલ (મંત્રી) સામે નોંધાવી હતી. સામે ભુરાભાઇ પટેલએ ઇશ્વરભાઇ મઘાભાઇ પટેલ, સહદેવભાઇ કાળાભાઇ પટેલ, નિકુલભાઇ મહાદેવભાઇ પટેલ તથા ડાહ્યાભાઇ સવાભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસે બન્ને તરફ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...