કામગીરી:ધાનેરામાં આંગણવાડીની મુખ્ય સેવિકા ખોટા દસ્તાવેજ લઈ ક્લાસ-2 ની તાલીમ લેવા ગઈ

ધાનેરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્યુમેન્ટોની ખાતરી કરતાં ગ્રેજ્યુએટ ન હોવાથી પાછી બોલાવવા તજવીજ હાથ ધરાઇ

ધાનેરા તાલુકાના બાળ વિકાસ યોજનામાં આંગણવાડીમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા મીરાબેન ભોઇએ તાજેતરમાં ક્લાસ-3 માંથી બઢતી માટેની તાલીમ મહેસાણા ખાતે સ્પીપામાં રાખવામાં આવી હતી. જેમાં તેઓએ ગ્રેજ્યુએશન કરેલ છે તેવી રીતે ગયા હતા પરંતુ તેમના કાગળોની ચકાસણી કરવામાં આવતા તેઓએ ગ્રેજ્યુએશન પાસ કરેલ ન હોવાનું જાણવા મળતા સી.ડી.પી.ઓ. દ્વારા તેમને તાલીમમાંથી પાછા મુકવા માટે લેખીત મોકલતા હડકંપ મચ્યો છે.

મીરાબેન અમરાભાઇ ભોઇએ તા.9 માર્ચ-1994 ના રોજ આંગણવાડી કાર્યકર તરીકે ખીંમત હાજર થયા હતા અને ત્યાર પછી તેમને સપ્ટેમ્બર-1997 ના રોજ જડીયા ખાતે આંગણવાડી કાર્યકરમાં મુકવામાં આવ્યા હતા. તા.4 સપ્ટેમ્બર-2010 ના રોજ મુખ્ય સેવિકા તરીકે પ્રમોશન નેનાવા ખાતે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મહેસાણા ખાતે સ્પીપામાં સી.ડી.પી.ઓ.ની પરીક્ષા આપવા માટેની તાલીમ રાખવામાં આવી હતી અને જે ગ્રેજ્યુએટ હોય તેવી સેવીકાઓને આ તાલીમમાં મોકલવા માટેની જાણ સી.ડી.પી.ઓ. કચેરી ખાતે પત્ર દ્વારા કરવામાં આવી હતી.

જેમાં મીરાબેન દ્વારા ડીપ્લોમાના પ્રમાણપત્રો રજુ કરવામાં આવેલ અને તે સ્નાતક સમકક્ષ છે તેવું જણાવવામાં આવતા તેમને તા.14 જુલાઇનારોજ છુટ્ટા કરવામાં આવેલ અને તાલીમમાં મોકલેલ પરંતુ સી.ડી.પી.ઓ.ને શંકા જતાં તપાસ હાથ ધરવામાં આવતા તે માત્ર ડીપ્લોમા ઇન હોમ સાયન્સનો અભ્યાસ કરેલ છે. જેથી તે સ્નાતક ગણાય નહી. જેથી આ બહેને ખોટી રીતે સ્નાતક બતાવીને તાલીમમાં ગયેલ હોવાથી તેને પાછી લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.