તાત્કાલિક ઉદ્દઘાટન જરૂરી:ધાનેરામાં 3 કરોડના ખર્ચે બનેલ અદ્યતન પોલીસ મથક એક વર્ષથી ઉદ્દઘાટનની રાહ જોઇ રહ્યું છે

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર મહિના પહેલા પોલીસને સુપરત કરાયું છતાં ઉદ્ઘાટન થયું નથી

ધાનેરામાં પોલીસ મથક વર્ષોથી મામલતદાર કચેરીની જગ્યામાં ચાલી રહ્યું છે. જેથી બે વર્ષ પહેલા આ પોલીસ સ્ટેશન બનાવવા માટે સરકાર દ્વારા 3 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવેલ અને અદ્યતન સુવિધાવાળું પોલીસ મથક ઉભું કરવામાં આવેલ અને તે છેલ્લા બારેક મહીનાથી ઉદ્ઘાટનની રાહમાં આજે પણ સુમસામ ભાસી રહ્યું છે.

ધાનેરામાં પણ વર્ષો થી ભાડાના મકાનમાં ચાલતા પોલીસ મથકને નવિન જગ્યાએ અદ્યતન મકાન બનાવવા માટે 3 કરોડ જેટલી સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી અને આ ગ્રાન્ટમાંથી અદ્યતન પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે. આ મકાન છેલ્લા બાર મહીનાથી તૈયાર પડ્યું છે. પરંતુ આ મકાનના ઉદ્ઘાટનમાં કયા ગ્રહો નડી રહ્યા છે તે સમજાતું નથી. અદ્યતન સુવિધાવાળું તૈયાર મકાન હોવા છતાં આજે પોલીસ ખંડેર મકાનમાં કામ કરી રહી છે. જેથી આ મકાનનું ઉદ્ઘાટન તાત્કાલિક થાય તેવું લોકો પણ જણાવી રહ્યા છે.

આ અંગે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે જણાવ્યું હતું કે, મકાન તૈયાર કરીને કોન્ટ્રાકટર દ્વારા આ મકાનનો કબજો પણ પોલીસને બારેક મહીના પહેલા સુપરત કરવામાં આવ્યો છે અને અમે પણ સરકારને આ પોલીસ મથક ચાલુ કરવા માટે પત્રો પણ લખ્યા છે. જેથી પોલીસ મથક જો નવા મકાનમાં આવે તો પોલીસને વધુ સુવિધાઓ મળી શકે તેમ છે અને હાઇવે ઉપર હોવાથી અન્ય ગુનાહીત પ્રવૃતિઓ પણ અટકે તેમ છે. જેથી આ પોલીસ મથકનું તાત્કાલિક ઉદ્ઘાટન થાય તે જરૂરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી 23 એપ્રિલને શનિવારે ધાનેરા તાલુકાના સરાલ વિડ ગામે આવી રહ્યા છે તો આ પોલીસ ભવનનું પણ ઉદ્ઘાટન કરે તેવી ઇચ્છાઓ છે.

અન્ય સમાચારો પણ છે...