તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા માસ્ક કૌભાંડ:તત્કાલિન CDHO ડો.મનિષ ફેન્સીએ 13 તાલુકા આરોગ્ય કચેરીઓના નામે એક જ દિવસમાં 47 લાખના 21000 N95 માસ્ક ખરીદ્યા!

ધાનેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અધિકારીએ હોદ્દાનો ગેરલાભ ઉઠાવી તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓના ID-PASSWORD મેળવી સાબરકાંઠાની પાર્ટી પાસેથી ખરીદી કરી

તત્કાલિન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે માત્ર એક જ દિવસમાં 13 તાલુકાઓની પોતે 21000 જેટલા N95 માસ્કની ઉંચા ભાવે ખરીદી કરીને 47 લાખનું કૌભાંડ કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. તેમજ તેમની સામે ખાતાકિય તપાસનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે.

મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી દ્વારા કરવામાં આવેલ ખોટી ખરીદી તેમજ કર્મચારીઓને કરવામાં આવેલ હેરાનગતી અને ખોટી રીતે ડોક્ટરો સામે કરેલ કાર્યવાહી સામે સરકારમાં રજુઆત કરવામાં આવતા સરકારે આ ડૉ.મનિષ ફેન્સી સામે તાત્કાલીક ખાતાકિય તપાસ કરવાના આદેશ કરવામાં આવતા ડૉ. મનિષ ફેન્સીના પગ તળેથી જમીન સરકી જવા પામી છે. ખાતાકિય તપાસમાં જે ખરીદીનો મુદ્દો છે તેમાં એક મુદ્દો N95 માસ્કની ઉંચા ભાવે ઉંચા ભાવે ખરીદી કર્યાનો પણ છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા જી.એમ.એસ.સી.એલ./સાધન-ખરીદી/કોવિડ-10/2019-20 તારીખ 30 માર્ચ-2020ના રોજ તમામ આરોગ્ય વિભાગની તાબાની કચેરીઓને આ ભાવ પત્રક મોકલવામાં આવેલ અને તે ભાવ કરતાં ઉંચા ભાવે ખરીદી નહી કરવા સુચના પણ આપવામાં આવી છે. જેમાં N95 માસ્કની રૂ.49.61 રાખવામાં આવેલ હતી તેમ છતાં આ અધિકારીએ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને પોતાના તાબાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓના ID-PASSWORD મેળવીને પોતે જાતે એક જ સાબરકાંઠાની પાર્ટી પાસેથી ખરીદી કરેલ હતી અને તે પણ એક દિવસે અલગ-અલગ તાલુકામાં કુલ મળી 21000 N95 માસ્કની ખરીદી 274.98 ના ભાવે કરવામાં આવેલ હતી. અને તેના પેટે રૂ.57,74,524 રૂપિયાની ખરીદી કરાઇ છે.

જ્યારે સરકારે નક્કી કરેલ ભાવ પ્રમાણે ખરીદી કરવામાં આવી હોત તો તેની રકમ રૂ.10,41,810 થઇ હોત પરંતુ ડૉ.મનિષ ફેન્સી દ્વારા ઉંચા ભાવે ખરીદી કરીને રૂ.47,32,174 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. અને આ ખાતાકિય તપાસ થતાં તે કાગળોની અદલા બદલી કરવા માટે પણ બે-બે દિવસે પાલનપુરના આંટા મારી રહ્યા છે.

ક્યા તાલુકામાં કેટલા માસ્ક ખરીદાયા
વાવ-1800, દાંતીવાડા-1200, ધાનેરા-1800, થરાદ-2400, ભાભર-1000, સુઇગામ- 1000, કાંકરેજ-2400, ડીસા-1800, લાખણી-1600, દાંતા-2000, ભાભર-1400, વડગામ-1200, અમીરગઢ-1400 ટોટલ 21000 માસ્ક ખરીદાયા છે તે સિવાય કોવિડ-૧૯ માં પાલનપુર, ડીસા તથા ધાનેરા ખાતે શરૂ કરવામાં આવેલ હોસ્પિટલમાં ખરીદી કરેલ તેનો આમાં સામેલ નથી.

ID-PASSWORD ધાક ધમકીથી લીધા હતા
એક તાલુકાના આરોગ્ય અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘ડૉ. મનિષ ફેન્સી દ્વારા તમામ પાસેથી ફરજીયાત ID-PASSWORD લેવામાં આવ્યા હતા અને જે લોકોએ વિરોધ કર્યો તેવા તાલુકા આરોગ્ય અધિકારીની બદલીઓ મેડીકલ ઓફિસરમાં કરી દેવામાં આવી હતી તેમાં ધાનેરા તથા લાખણીના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ તેમના મળતીયાઓને રાખ્યા હતા. જ્યારે જીલ્લામાં RCHO ડો.ગર્ગ પણ ખોટામાં સાથ ન આપતા તેમને આ ખરીદીની કમીટીમાંથી કાઢી દેવામાં આવ્યા હતા અને આ બાબતે પણ ખાતાકીય તપાસ ચાલુ છે. અને જો તટસ્થ તપાસ થાય તો 10 કરોડથી વધારે કૌભાંડ બહાર આવે તેમ છે.’

તપાસ અધિકારીને પુરતો સાથ આપીશું:ડીડીઓ
‘ડો.મનિષ ફેન્સી સામે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને જે તપાસ કરનાર અધિકારીઓ છે તેમને અમારી કચેરી દ્વારા પુરતો સહયોગ આપવામાં આવશે. તેમજ આ ડૉ.મનિષ ફેન્સી દ્વારા કરવામાં આવેલ ખરીદીઓ હોય કે અન્ય કોઇ હોય તે બાબતેના તમામ ફાઇલો સાથે કોઇ છેડછાડ ન થાય તે માટે અમારા આરોગ્ય વિભાગના અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. જેથી જો ખોટુ થયું હશે તો તેમની આમે યોગ્ય કાર્યવાહી સરકાર જરૂર કરશે.’ - : સ્વપ્નિલ ખરે (જીલ્લા વિકાસ અધિકારી)

અન્ય સમાચારો પણ છે...