દિયોદરના નોખા પાસે નર્મદા કેનાલમાં મંગળવારે દિયોદર તાલુકાના જાડા ગામના પ્રેમી યુગલે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.જેમાં પ્રેમી યુગલે બન્નેના સાથે અંતિમ સંસ્કાર કરવા સુસાઇડ નોટમાં અપીલ કરાઈ હતી. બંને સગા માસીયાઈ ભાઈ બહેન હોવાથી લગ્ન શક્ય ન હોઈ આ પગલું ભર્યું છે.દિયોદર તાલુકાના જાડા ગામે રહેતો શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી નર્મદાબેન બંને જણા પ્રેમ કરતા હોવાથી અને બંને એકબીજા વગર રહી શકતા ન હોવાથી મંગળવારે નોખા નર્મદા કેનાલમાં ઝપલાવ્યું હતું.
જેમાં સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં તરવૈયાની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેનાલમાંથી બંને યુવક-યુવતીની લાશ બપોરે શોધખોળ દરમિયાન મળી આવી હતી. જેમાં બંને મૃતકોને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દિયોદર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
યુવકે મરતાં પહેલા મમ્મી-પપ્પાને સોરી કહેતા સ્યુસાઈડ નોટ લખી
જાડા ગામના પ્રેમી યુગલે નોખા નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જો કે યુવકે મરતા પહેલા તેના મમ્મી-પપ્પાને સોરી કહેતા સુસાઈટ નોટ લખી છે. જેમાં એક બીજા વગર રહી ન શકતા આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ કર્યો છે. જેમાં બંને લાશને પણ એક સાથે અગ્નિસંસ્કાર આપવા સુસાઈટ નોટમાં અપીલ કરવામાં આવી છે.
અક્ષરસહ સુસાઇડ નોટ: " સોરી મમ્મી-પપ્પા...
હું તમને છોડીને જાઉં છું. કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી અને મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી. તેથી અમે બંન્ને બધાને છોડીને જઇ રહ્યા છીએ અને અમે ક્યારેય સાથે તો રહેવાના નથી તેથી તે વિચારીને જઇએ છીએ. અમારાથી કાંઇ નાની મોટી ભૂલ થઇ હોય તો માફ કરજો. અને અમે સાથે તો રહ્યા નથી પણ અમારા અગ્નિ સંસ્કાર સાથે થાય તેવા પ્રયત્ન કરજો આટલી અમારી ઇચ્છા પૂરી કરજો. હું મારા મમ્મી-પપ્પાને દુ:ખી કરવા નતો માંગતો તેથી મારે આ પગલું ભરવું પડ્યું. એ જે મને પ્રેમ કરે છે તે છોકરી પણ બીજાની થવા નતી માંગતી તેથી અમે આ કરી રહ્યા છે. આના સિવાય બીજો આઇડિયા અમારી પાસે નતો સોરી....."(અવાચ્ય અંગેજીમાં સહી)
મૃતક યુવક-યુવતી સગા માસીયાઇ ભાઇ-બહેન હતા
નોખા ગામની કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મૃતક યુવક-યુવતી બન્ને સગા માસીયાઇ ભાઇ-બહેન હોવાથી લગ્ન થઇ શકતા ન હોવાથી આ પગલું ભર્યું હતું.બંને એકબીજા વિના રહી શકતા ન હોઈ આ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે.બંનેના મોતને લઈ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.