દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારી વિભાગમાં ચાર સદસ્યો અને ખરીદ વેચાણ વિભાગમાં બે સભ્યો વેપારી હોવાનું લાયસન્સ સહિત અન્ય યોગ્યતા ન ધરાવતા હોઇ ખેતી નિયામક ગાંધીનગર દ્વારા દિયોદર માર્કેટયાર્ડમાં ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા સહિત 6 સદસ્યોને હોદ્દા પરથી દૂર કરાતા દિયોદર સહકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં વેપારી વિભાગમાં ચાર સદસ્યો અને ખરીદ વેચાણ વિભાગમાં બે સદસ્યો સામે દિયોદરના જાગૃત નાગરિક તેમજ વેપારીઓ દ્વારા થોડાક માસ અગાઉ વેપારી વિભાગના ચાર સદસ્યો અને ખરીદ વેચાણ વિભાગના બે સદસ્યો ગેરલાયક હોવા છતાં સદસ્ય પદે ચાલુ છે જેની લેખિત રજૂઆત ખેતી નિયામક ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.
જે અંગે તપાસ બાદ ખેતી નિયામક ગાંધીનગર દ્વારા દિયોદર માર્કેટયાર્ડના વેપારી વિભાગમાં બિનહરીફ ચૂંટાયેલા ચાર સદસ્યો અને ખરીદ વેચાણ વિભાગમાં બિનહરીફ ચૂંટાયેલા બે સદસ્યો દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા તેમજ તેમના પુત્ર યોગ્યતા ન ધરાવતા હોય ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ખેતી નિયામક ગાંધીનગર યુ.એમ.વાસણાવાળાના આદેશથી દિયોદર માર્કેટયાર્ડ સમિતિના સદસ્ય પદેથી દૂર કરાતા દિયોદર સહકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
સત્તાધીશો દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું નહતું :ધારાસભ્યનો આક્ષેપ
દિયોદર માર્કેટયાર્ડ સમિતિના હોદ્દા પરથી અમોને દૂર કરાયા અંગે અમને કોઈ સત્તાવાર હજુ સુધી જાણ થઇ નથી. મીડિયાના માધ્યમથી માહિતી મળી છે કે માર્કેટયાર્ડ સમિતિના વેપારી વિભાગના ચાર તેમજ ખરીદ-વેચાણ વિભાગના બે કુલ અમો છ સદસ્યો હોદ્દા પરથી દૂર કરાયા છે.લાયસન્સ મેળવવા બાબતે તમામ પ્રકારની કાર્યવાહી કરી હતી. પરંતુ લાયસન્સ વર્તમાન માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા આપવામાં આવ્યું ન હતું તેથી અમોને ખેતી નિયામક ગાંધીનગર દ્વારા હોદ્દા પરથી દૂર કરાયા છે આ અંગે અમોને સત્તાવાર જાણ થયા બાદ અમો ન્યાય મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.’ - શીવાભાઈ ભુરીયા (ધારાસભ્ય દિયોદર, પૂર્વ ચેરમેન માર્કેટયાર્ડ સમિતિ દિયોદર)
કયા-કયા સદસ્યો હોદ્દા પરથી દૂર કરાયા
1. ખરીદ-વેચાણ વિભાગ
- શીવાભાઈ અમરાભાઇ ભુરીયા (દિયોદર ધારાસભ્ય)
- નારણભાઈ શીવાભાઈ ભુરીયા
2. વેપારી વિભાગ
- જેસુંગભાઇ સગરામભાઇ પટેલ
- દાનાભાઈ હરજીભાઈ પટેલ
- રઘુભાઈ ડામરા ભાઈ પટેલ
- ઉમેદભાઈ નવાજી પટેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.