એક બાજુ ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતો પાણીને લઈ આંદોલનો કરી રહ્યા છે.દિયોદર સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઇ બુધવારે દિયોદર, લાખણી, કાંકરેજ, થરાદ, ડીસા તાલુકાના ખેડૂતોએ મીની અંબાજી સણાદર માં અંબાના દર્શન કરી 4 કિ.મી.ના અંતરમાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જળ આંદોલનની શરૂઆત કરી હતી અને ધરણા યોજ્યા હતા.
છેલ્લા એક મહિનાથી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવાની માંગને લઈ ખેડૂતો દરેક ગામોમાં બેઠકો યોજી ‘પાણી નહીં તો વોટ નહીં’ ના બેનરો લગાવી પાણી માટે રજુઆત કરી રહ્યા હતા. પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડાતા આખરે 4 મે ના રોજ ખેડૂતોએ પાણી માટે જળ આંદોલનની શરૂઆત કરી હતી.
જેમાં દિયોદર, લાખણી, થરાદ, ડીસા, કાંકરેજ જેવા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિયોદર તાલુકાના મીની અંબાજી સણાદર માં અંબાના ધામ ખાતે પહોંચ્યા હતા. જેમાં બેઠક યોજી એક સુર ‘પાણી નહીં તો વોટ નહીં...’ ખેડૂતોની રજુઆત સાંભળો સરકારના નારા વચ્ચે સણાદર મંદિરથી રેલી યોજી હતી. જેમાં ખેડૂતો 15 ટ્રેક્ટરો અને 3 પાણીના ટ્રેક્ટરો લઇ પ્રાંત કચેરી સુધી પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોએ પ્રાંત કચેરી બહાર ‘પાણી નહીં તો વોટ નહીં’ ના નારા લગાવી પ્રાંત અધિકારી એમ.એમ.દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં મળે તો કચેરી બહાર ધરણા યોજવાની ચીમકી આપી ધરણાની શરૂઆત કરી હતી. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જગતનો તાત પાણી માટે લાચાર
સરહદી વિસ્તારના ખેડૂતો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલ છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતો પાણી માટે રજૂઆત કરી ધરણાં યોજી રહ્યા છે. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણીની આશા સાથે ફરી એક વખત ખેડૂતોએ ધરણાં શરૂ કર્યા હતા.
મહિલાઓ પણ રેલીમાં જોડાઇ
પાણીને લઇ ખેડૂતોની ભવ્ય રેલીમાં પશુપાલન મહિલાઓ પણ જોડાઇ હતી. જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે ‘અમો પશુપાલન મહિલાઓ છીએ, અમારે વીજળી અને પાણીની જરૂરિયાત છે અમને પાણી અને વીજળી આપો. જેથી અમો ખેતી કરી શકીએ. જળ વગર જીવન નકામું છે. અમારી એક જ માંગ છે અમને કેનાલમાં પાણી આપો.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.