વૃદ્ધાના ઘરે પહોંચ્યું દિવ્ય ભાસ્કર:અમે તો હોસ્પિટલમાં મૂકી આવ્યાં હતાં,કચરામાં કઇ રીતે પહોંચ્યાં ખબર નથી : બહેને ભૂલ સ્વીકારતાં કહ્યું, અમે ઘરે પરત લઇ જઇશું

ડીસા4 મહિનો પહેલાલેખક: બાબુ દેસાઇ
  • કૉપી લિંક
ડીસા પોલીસ લાઇનની પાછળ નવાવાસમાં આવેલ વૃધ્ધાના દિકરાનું મકાન - Divya Bhaskar
ડીસા પોલીસ લાઇનની પાછળ નવાવાસમાં આવેલ વૃધ્ધાના દિકરાનું મકાન
  • વર્ષ 2006માં પતિ સાથે છુટાછેડા બાદ 4 સંતાનોને મૂકી ડીસા જૂની પોલીસ લાઇન પાછળ નવાવાસની બાજુમાં વાલ્મિકીવાસમાં બહેનનાં ઘરે રહેતાં હતાં

ડીસામાં કચરામાં ફેંકી દેવાયેલી વૃદ્ધાના પરિવારજનોને દિવ્ય ભાસ્કરે શોધી કાઢ્યા છે. તેણી 2006માં પતિથી છુટાછેડા લઇ ચાર સંતાનોને પતિ પાસે જ મૂકી બહેનનાં ઘરે રહેતાં હતાં. માજીને ત્યજી દેનારી તેની બહેન શારદાબેન બબાભાઇ સોલંકીએ જણાવ્યું કે "મારી બહેનની અવસ્થા થઇ ગઇ હતી, પથારીમાં જ શૌચક્રિયા કરતાં હોઇ સારવાર અર્થે ડીસાની હોસ્પિટલમાં મૂકી આવ્યાં હતાં. જોકે, તેઓ કચરાના ઢગલામાં કેવી રીતે પહોંચ્યા તેની ખબર નથી. તેમની આવી બદતર હાલત થઇ છે એ જાણી ખૂબ જ પસ્તાવો થાય છે. અમે બહેનને ઘરે પરત લાવીશુંં.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર પૂરી થાય અને તબીબ રજા આપે એટલે તેમને પરત ઘરે લઇ જવામાં આવશે.

ડીસામાં કચરાના ઢગલામાં ફેંકી દેવાયેલાં કમળાબેન મૂળ મહેસાણાના ઊંઝા તાલુકાના સુરપુરા ગામના અને હાલ ડીસામાં રહેતા બબાભાઇ વાલ્મિકીનાં પુત્રી છે. તેમના લગ્ન ડીસા પોલીસ લાઇનની પાછળ નવાવાસ નજીક રહેતા બાબુભાઇ પનાભાઇ પુરબીયા સાથે થયા હતા. જેમને લગ્ન જીવનમાં ચાર સંતાનો ધીરજભાઇ, વીકોભાઇ, ચિરાગભાઇ અને બોબી છે. જોકે, નાની નાની બાબતે દંપતી વચ્ચે ઝઘડા થતાં હોઇ 12 ઓગસ્ટ, 2006ના રોજ બંનેએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી છુટાછેડા લીધા હતા.

જે પછી કમળાબેન ડીસામાં જ નવાવાસ વાલ્મિકી વાસમાં તેમના માતા-પિતા અને બહેનના ઘરે રહેવા જતા રહ્યા હતા. જોકે, તેમના પતિનું 2014માં નિધન થયું છે.વર્ષ 2006માં પતિ સાથે છુટાછેડા બાદ 4 સંતાનોને મૂકી ડીસા જૂની પોલીસ લાઇન પાછળ નવાવાસની બાજુમાં વાલ્મિકીવાસમાં બહેનનાં ઘરે રહેતાં હતાં.

અહેવાલ વાંચી હોસ્પિટલ ગયો પણ માસીનો ડર લાગતાં કોઇને કહ્યું નહીં : વૃદ્ધાનો દિકરો

વૃદ્ધાના મોટા દીકરા ધીરજભાઇએ જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. માતાની આવી હાલત જોઇને ખૂબ દુ:ખી થયો હતો. જોકે, માતાએ અમારાથી નાતો તોડી નાખ્યો હોઇ અને મારી માસીના ઘરે રહેતાં હોઇ જો ઘરે લઇ જઇએ અને કંઇ થાય તો માસી અમારા ઉપર ખોટા આક્ષેપો નાંખે એ ડરે કોઇને કહ્યું ન હતું.

દીકરા મજૂરી કરે છે, બહેનની આર્થિક સ્થિતિ સારી
કમળાબેનના ચાર પુત્રો હોસ્પિટલો સહિત ખાનગી ઓફિસોમાં મજૂરી કરે છે. જ્યારે તેમની બહેનની આર્થિક સ્થિતિ સારી હોઇ પોતાના પરિવાર અને વૃદ્ધ બહેનનું ગુજરાન ચલાવે છે.

બનાસકાંઠાના 181ના કાઉન્સેલરે પરિવારનું સરનામાના જાણ કરી
ડીસાના હવાઇ પિલ્લર નજીક નવા બગીચા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી 50 વર્ષિય કમળાબેન બાબુભાઇ સોલંકી મળી આવ્યાં હતાં. જેમને ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, પાલનપુર જનસેવા એજ પ્રભુ સેવા સંગઠનના પ્રમુખ જયેશભાઇ સોની, બનાસ એન.પી.પલ્સના પ્રમુખ નરેશભાઇ સોનીની મદદથી પાલનપુર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતાં.

દરમિયાન બનાસકાંઠા 181 મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે આ અહેવાલ જોતાં એક વર્ષ અગાઉ કમળાબેનને પાલનપુરમાંથી તેણીના ઘરે મૂકી આવ્યાનું યાદ આવ્યું હતું. જેમણે દિવ્ય ભાસ્કરને સરનામાની જાણ કરતાં આખરે વૃદ્ધાનાં પરિવારજનો મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...