ગ્રામ પંચાયતના પરીણામ:ડીસા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં દિગ્ગજોની હાર થઈ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસાની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે મંગળવારે મત ગણતરી સ્થળે લોકો ઉમટી પડયા હતાં. - Divya Bhaskar
ડીસાની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે મંગળવારે મત ગણતરી સ્થળે લોકો ઉમટી પડયા હતાં.
  • વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા,મોડી સાંજ સુધીમાં 50 ગ્રામ પંચાયતના પરીણામ જાહેર થયા

ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી યોજાતા અનેક ગામોમાં બબ્બે ત્રણ-ત્રણ ટર્મથી સરપંચ પદે ચૂંટાતા દિગ્ગજ ઉમેદવારોની હાર થઇ છે. જ્યારે મોટાભાગના ગામોમાં યુવા ઉમેદવારોનો વિજય થયો હતો. મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. વિજેતા ઉમેદવારોના વિજય સરઘસને પોલીસ બંદોબસ્ત સાથે ગામડાઓમાં રવાના કરાયા હતા. 84 પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં 4 ગ્રામ પંચાયતો સમરસ થતા 80 પંચાયતોની ચૂંટણી જ્યારે 8 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડીસાની એસ.સી.ડબ્લ્યુ. હાઇસ્કૂલ ખાતે મંગળવારે મતગણતરી યોજાઈ હતી.

સાંજે છ વાગ્યા સુધી 50 જેટલા ગામોની મત ગણતરી પૂર્ણ થઇ હતી. ત્યારબાદ પણ મત ગણતરીનું કામ ચાલુ રહ્યું હતું. ડીસા ડી.વાય.એસ.પી. ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ડીસાના ચૂંટણી અધિકારી કે.એસ.તરાલ દ્વારા કુલ 18 રૂમોમાં મત ગણતરીની વ્યવસ્થા કરાઈ હતી.

મત ગણતરી શરૂ થતા એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ બહાર દિવસભર ચારે બાજુ ગ્રામીણ લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી. મત ગણતરી શરૂ થતા એક પછી એક ગામના પરિણામ આવવા લાગતા વિજેતા ઉમેદવારોના ઢોલ નગારા બેન્ડ સાથે સરઘસ નીકળવા લાગતા શહેરના મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજે છ વાગ્યા સુધી હજુ 50 જેટલા ગામોની જ ગણતરી થઈ શકી હતી.

ડીસા તાલુકાના અનેક જુના સરપંચો હાર્યા
ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ અનેક દિગ્ગજ ઉમેદવારો હારી જવા પામ્યા હતા. કેટલાય ગામોમાં બે ત્રણ ટર્મથી સરપંચ પદે રહેલા ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. ડીસાના આખોલ, સાવીયાણા, શરત, રાણપુર વ.વાસ જેવા ગામોમાં વર્ષોથી સરપંચ પદે રહેલા ઉમેદવારોને મતદારોએ ઘર ભેગા કર્યા હતા. જ્યારે મોટે ભાગે યુવાન ઉમેદવારો જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...