સ્પર્ધા:વડગામના 73 વર્ષિય વાલજીકાકા કરેણ 400 મીટર દોડમાં જીલ્લામાં પ્રથમ નંબરે

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના સ્પોર્ટસ કલબ ખાતે સિનિયર સીટીઝન માટે વિવિધ સ્પર્ધા યોજાઇ હતી

જીલ્લા રમત ગમત કચેરી પાલનપુર દ્વારા ડીસાના સ્પોર્ટસ કલબ મેદાન ખાતે સિનિયર સિટીઝન માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ તાલુકાના મેગાળ ગામના 73 વર્ષીય વાલજીકાકા કરેણએ 400 મીટર દોડમાં જીલ્લામાં પ્રથમનું સ્થાન મેળવ્યું હતું.

મેગાળ ગામના વાલજીભાઈ જેસુંગભાઇ કરેણ (ચૌધરી) એ અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો એવું જ કરી બતાવ્યું છે. વાલજીકાકા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓએ ઓલ્ડ એસએસસી dtc (વઢવાણ ફાઇન આર્ટ્સ વિકાસ વિદ્યાલય, વઢવાણ) ખાતે પાસ કરેલ છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સાથે ચિત્રકલા, પેઇન્ટિંગ, વ્યાયામ, યોગ અને કસરતનો ખુબજ શોખ ધરાવે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જીલ્લા કક્ષાનો સિનિયર સિટીઝન રમત સ્પર્ધા સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે યોજાઇ હતી. જેમાં સીનીયર સીટીઝન રમત-ગમતમાં 400 મીટર દોડ સ્પર્ધામાં વાલજીકાકાએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં યોજાયેલ 10 કિલો મીટર દોડમાં પણ પ્રથમ નંબર મેળવી ગુજરાત, બનાસકાંઠા અને વડગામનું નામ રોશન કર્યું છે. "જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો, કારણ કે અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે" જેથી જીદંગીના છેલ્લાં શ્વાસ સુધી કંઈક ને કંઈક શીખવાની પ્રેરણા લેવી જોઈએ તેમ ચિત્રકાર અને દોડવીર વાલજીભાઈએ જણાવ્યું હતું.

ડીસાના ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય અને ચંદુભાઇ એટીડીએ જણાવ્યું હતું કે વાલજીકાકાને પક્ષીઓ, પ્રાણીઓ, કુદરતી દ્રશ્ય તેમજ પતંગિયા જેવા સ્કેચપેન અને કલરથી સુંદર ચિત્ર દોરવાનો એક અનેરો શોખ છે. તેઓ 73 વર્ષની ઉંમરે પણ દોડવીર અને યોગ કસરત તેમજ ચિત્રો દોરવામાં ખૂબ જ પ્રેરણાત્મક કાર્ય કરી સમાજને પોતાની તંદુરસ્તીની પ્રેરણા આપે છે.

અન્ય સમાચારો પણ છે...