તપાસ:મામાના દીકરાએ પ્રેમ લગ્ન કરતાં ફોઈના દીકરાનુ અપહરણ: મોડી રાત્રે છુટકારો

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના યુવકને યુવતીના ભાઈ સહિત છ શખ્સો કારમાં ઉઠાવી ગયા,પોલીસે અપહરણ સહિતની ફરિયાદ નોધી

ડીસાના યુવકનું સોમવારે મોડી સાંજે હાઈવે પરથી કારમાં આવેલા 6 જેટલાં શખ્સોએ અપહરણ કરી ઉઠાવી જતાં પરીવાર સહિત પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતાં અપહરણકારો અવાવરૂ જગ્યાએ છોડી ભાગી ગયા હતા. ડીસા-રાણપુર રોડ ઉપર આવેલ પીન્કસીટી સોસાયટીની બાજુમાં આવેલ સ્ટ્રોબેરી સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ કાતિલાલ ઠક્કર ના સાળાના દીકરા પ્રતિક પ્રકાશભાઈ ઠક્કર (રહે, દલવાડા, તા. પાલનપુર) લાખણી તાલુકાના કોટડા ધુણસોલ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ યુવતિના પરીવારને આ લગ્ન મંજૂર ન હતાં.

આથી યુવતિના પરીવારના સભ્યો અવારનવાર જગદીશભાઈ ઠક્કર તેમજ તેમના દીકરા ઋત્વિક ઠક્કરને ઉપાડી જવાની તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જો કે, સોમવારે રાત્રિના આઠેક વાગ્યા ના સમયે ઋત્વિક ઠક્કર ઘરે હતો તે દરમિયાન ડીસાની તિરૂપતિ ટાઉનશીપ માં રહેતો તેનો મિત્ર યશ ઉર્ફે બીટ્ટુ રાજુભાઈ ઠક્કર જયુપીટર લઈ આવ્યો હતો અને બન્ને જણા બજારમાં આટો મારવા ગયા હતા.

ત્યાર બાદ હાઈવે પરના રીલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવી પરત આવતી વખતે ઓવરબ્રિજ નજીક નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાંથી ઉમંગ સુભાષભાઈ ઠક્કર તેમજ વાસુભાઈ રામલાલ ઠક્કર સહિત છ જેટલાં શખ્સોએ ઋત્વિક ઠક્કરને જયુપીટર પરથી ઊંચકી ને સ્વીફટ કારમાં લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે યશ ઠક્કર અને બ્રિજેશ ઠક્કર એ યુવકના પરીવાર ને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આસપાસમાં તપાસ કરી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.

આથી પીઆઈ જે.વાય.ચૌહાણ સહિત ના સ્ટાફે નાકાબંધી કરાવતાં અપહરણકારો યુવકને રાત્રિના સમયે ભાકડીયાલ નજીક અવાવરૂ જગ્યાએ મુકી કાર લઈ ને ભાગી ગયા હતાં. આ અંગે ઋત્વિક ઠક્કર પિતા જગદીશભાઈ ઠક્કરે ઉમંગ સુભાષભાઈ ઠક્કર અને વાસુભાઈ રામલાલ ઠક્કર (બન્ને રહે, કોટડા ધુણસોલ, તા. લાખણી) સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

આરોપીઓને પકડવા પોલીસની તજવીજ
ડીસા શહેર ઉત્તર પોલીસે યુવકના અપહરણ કેસમાં છ જેટલાં શખ્સો સામે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી છે. જો કે, આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ ને કામે લગાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...