માનવતા:બાળકીની લાશને હિન્દુ સંગઠને વતન કોડીનાર પહોંચાડી

ડીસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં કાકાને ત્યાં મળવા આવેલા પરિવારની બે માસની દીકરીનું આકસ્મિક મોત થયું હતુ

ડીસામાં પોતાના પિયરમાં કાકાને ત્યાં મળવા આવેલા કોડીનારના પરિવારની બે માસ ની દીકરી અચાનક બીમાર થઈ હતી. તેણીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આઘાત જનક ઘટના વચ્ચે દીકરીના મૃતદેહને 600 કિલોમીટર દૂર કોડીનાર એ પણ વિનામૂલ્યે પહોંચાડી ડીસાના હિન્દુ યુવા સંગઠને માનવતા નિભાવી હતી.

હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે, કોડીનારમાં રહેતા કાજલબેન નીતેશભાઈ સુથાર તેમના પતિ અને બે માસની દીકરીને લઈ ચાર દિવસ અગાઉ ઘણા વર્ષો પછી ડીસા ભોપાનગર વિસ્તારમાં પોતાના કાકાને ત્યાં મળવા માટે આવ્યા હતા. જોકે, રવિવારે રાત્રે બાળકીની તબિયત બગડતાં ડીસાની હોસ્પિટલ માં લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરીના મૃતદેહને કોડીનાર લઈ જવા માટે અવઢવમાં મુકાઇ ગયા હતા. ખાનગી વાહન નું ભાડું વધારે થતું હોય પરિવાર મૂંઝાઈ ગયો હતો.

આવી સ્થિતિમાં નીતિનભાઈએ પરિવારને કહ્યું કે, જો ડીસામાં અંતિમ ક્રિયા કરવી હોય તો અહી કરાવી દઈએ ખર્ચ અમે કરશું. પણ દંપતીએ વતન જ જવું પડશે એમ કહેતા સંગઠનના સેવાભાવી પ્રવીણભાઈ પરમારને ફોન કરી હકીકત જણાવીને તાત્કાલિક બોલાવ્યા હતા. પ્રવીણભાઈ પરમારની ગાડીમાં મૃતક બાળકી અને એના માતા પિતા ને વતન કોડીનાર મોકલાયા હતા. આ સેવાકીય કાર્યમાં દીપકભાઈ કચ્છવા અને જયદીપભાઈ ચોખાવાલાએ પણ સહયોગ આપ્યો હતો.નરેશભાઈએ હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીને જાણ કરી હતી. નીતિનભાઈએ સંગઠનના પરવિંભાઈની ગાડીમાં વિનામૂલ્યે મૃતદેહ લઈ જવાની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...