અરેરાટી:પમરૂ-પેછડાલ રોડ પર આખલા સાથે બાઇક અથડાતાં ચાલક પટકાતાં મોત

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના ટેટોડા ગામના આશાસ્પદ યુવકના મોતથી અરેરાટી

ડીસા તાલુકાના પમરૂ-પેછડાલ રોડ ઉપર બુધવારે અચાનક જ આખલો આવી જતાં બાઇક સવાર નીચે પટકાયો હતો. આથી માથાના ભાગે ગંભીર ઇજાના કારણે ટેટોડાના યુવકનું કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ડીસા તાલુકાના ટેટોડા ગામના મહેશભાઈ જીવરાજભાઈ ચૌધરી (ઉં.વ.30) બુધવારે સાંજના સુમારે પોતાના જીજે-08-બીડી-4053 નંબરના મોટર સાયકલ પર પેછડાલથી ટેટોડા તરફ આવી રહ્યાં હતાં. જે દરમિયાન પેછડાલ-પમરૂ વચ્ચે અચાનક જ રોડ ઉપર આખલો આવી જતાં મોટર સાયકલ આખલા સાથે અથડાયું હતું.

આથી મહેશભાઈ ચૌધરી રોડ ઉપર પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાના લીધે લોહી વહી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહેશભાઈને સારવાર અર્થે વાહન મારફત ડીસાની પરિવાર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જો કે ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા ગંભીર રીતે માથાના ભાગે ઇજા થતાં શરીરનું લોહી વહી જવા પામ્યું હતું અને સારવાર મળે તે પહેલા જ મહેશભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...