લૂંટ:જુનાડીસા નજીક દંપતીના એકટીવા સાથે સાઇકલ અથડાવી લૂંટ ચલાવી

જુનાડીસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઇકલ ઉપર આવેલ બે શખ્સો મોબાઈલ અને એક્ટીવા લઈ ફરાર

ડીસા તાલુકાના જુનાડીસા હાઇવે નજીક સોમવારે રાત્રે એક્ટિવા ઉપર આવતા એક મુસ્લિમ દપંતીને બે અજાણ્યા સાયકલ સવારોએ આંતરી હુમલો કરી મોબાઈલ અને એક્ટિવાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના ગવાડી છોટાપુરા ખાતે રહેતા અને વેપાર કરતા 54 વર્ષીય હનીફભાઈ યાકુબભાઈ શેખ સોમવારે પત્ની સાથે સોમવારે એક્ટિવા લઇ જુનાડીસા લગ્ન પ્રસંગે ગયા હતા અને રાત્રે સાડા આઠેક વાગે પરત ડીસા ગવાડી તરફ આવતા હતા. તે દરમિયાન જુનાડીસાથી આગળ સતરા સૈયદ દરગાહના વળાંક પાસેથી પસાર થતા હતા ત્યારે રોડની સાઈડમાં સાયકલ લઈ બે અજાણ્યા શખસો ઉભા હતા અને હનીફભાઈ એક્ટિવા લઈ નજીક આવતા જ આ શખસોએ પોતાની સાયકલ એક્ટિવા આગળ નાખતા હનીફભાઈનું એક્ટિવા સાયકલ સાથે અથડાઇ જતા હનીફભાઈ અને તેમના પત્ની રોડ ઉપર પટકાયા હતા. જે દરમિયાન બન્ને શખસો હુમલો કરી હનીફભાઈ સાથે ઝપાઝપી અને મારામારી કરી હનીફભાઈના ખીસ્સામાં રાખેલ મોબાઈલ તેમજ રૂપિયા 30 હજારની કિંમતનું એક્ટિવા મળી કુલ રૂ. 37 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે હનીફભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયેલા અને આ બાબતે તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...