કાર્યવાહી:રસાણા વિદ્યાર્થી આપઘાત કેસ,નર્સિંગ કોલેજના મહિલા આચાર્ય, પ્રોફેસર સામે દુષ્પ્રેરણનો ગુનો

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીના સભ્યએ દામાની મુલાકાત લઇ પરીવારને સાત્વના પાઠવી. - Divya Bhaskar
યુનિવર્સિટીના સભ્યએ દામાની મુલાકાત લઇ પરીવારને સાત્વના પાઠવી.
  • યુનિવર્સિટીની તપાસ ટીમે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટી મંડળના નિવેદન લીધા
  • વિદ્યાર્થી આત્મહત્યા પ્રકરણમાં કોલેજના આચાર્ય, પ્રોફેસર ફોન બંધ કરી ફરાર થઈ ગયા

વિદ્યાર્થી આત્મહત્યા પ્રકરણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમ શનિવારે રસાણા કોલેજ ખાતે રૂબરૂ નિવેદન અને તપાસ માટે આવી પહોંચી હતી પરંતુ જેની સામે ગંભીર આક્ષેપ થયા છે તેવા કોલેજના આચાર્ય અને પ્રોફેસર ફોન બંધ કરી પલાયન થઇ ગયા હતાં. બીજી બાજુ આચાર્ય પ્રોફેસર સામે દુસ્પ્રેરણનો ગુન્હો નોંધાયો છે. ડીસાના રસાણા ગામે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા પરેશ પુંજાભાઈ સુથારે એક સપ્તાહ અગાઉ અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં આત્મહત્યા કરી હતી.

જો કે, કોલેજમાં પરીક્ષા દરમિયાન ચોરી પ્રકરણમાં કોલેજના આચાર્ય માનસી આચાર્ય તેમજ કોલેજના પ્રોફેસર કમલેશ પાટીદાર દ્વારા પરેશ સુથારને સતત દબાણ કરી માફીપત્ર લખાવ્યા બાદ લાફા મારી કોલેજમાંથી કાઢી મુક્યો હોવાનો કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મૃતક પરેશ સુથારને ન્યાય મળે અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે એનએસયુઆઇ, એબીવીપી સહિતના વિદ્યાર્થી સંગઠનો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી સહિત ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ન્યાયિક તપાસ થાય તે માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની સમિતિ બનાવી સાત દિવસમાં રીપોર્ટ કરવા આદેશ કર્યો છે. આથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્ય હરેશભાઇ ચૌધરીની આગેવાનીમાં પી.કે.કોટાવાલા, આર્ટસ કોલેજ પાટણના આચાર્ય ડૉ. લલિતભાઇ પટેલ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રસાયણશાસ્ત્ર વિભાગના ડૉ.સંગીતાબેન શર્માએ શનિવારે રસાણા કોલેજની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ ટ્રસ્ટી મંડળના નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી.

માનસી આચાર્ય અને કમલેશ પાટીદાર ફોન સ્વીચ ઓફ કરી પલાયન થઇ ગયા હતાં. તાલુકા પોલીસે મૃતક પરેશ સુથારના ભાઈ વિષ્ણુભાઇની ફરિયાદના આધારે આચાર્ય માનસીબેન આચાર્ય તેમજ પ્રોફેસર કમલેશભાઈ પાટીદાર સામે આપઘાત કરવા દુષ્પ્રેરણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સત્યને બહાર લાવીશું : તપાસ સમિતિ
માનસી આચાર્ય અને કમલેશ પાટીદારના નિવેદન નોંધવાના હતાં પરંતુ તેઓ ફોન બંધ કરી આવ્યાં નથી. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ ટ્રસ્ટીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. તમામ પાસાઓની તપાસ કરી સત્યને બહાર લાવીશું તેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્ય હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...