તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજના લોલીપોપ:બટાકાની સબસિડીમાં 2 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતોને બાકાત રખાતાં રોષ

ડીસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટ્ટા દીઠ રૂ.50ની સબસિડી જાહેર પરંતુ ઓનલાઇન પ્રક્રિયા કઠીન હોવાથી આ યોજના લોલીપોપ સમાન : ખેડૂતો

બટાકાની મંદીનો માર ઝીલી રહેલા ખેડૂતોને મદદરૂપ બનવા માટે સરકાર દ્વારા એક કટ્ટા દીઠ 50 રૂપિયાની સબસીડી જાહેર કરવામાં આવી છે પરંતુ ઓનલાઇન પ્રક્રિયા ખૂબ જ કઠીન હોવાથી સરકારની આ યોજનાને ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવી સરકાર ખેડૂતો સાથે છેતરપીંડી કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ડીસા પંથકના ખેડૂતો છેલ્લાં 5 વર્ષથી બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતાં ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકાર દ્વારા આવા કપરા સમયમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા, 50 કિલોના એક હજાર કટ્ટા (બેગ) અને 50 ટનથી વધુ સંગ્રહ કરેલ ખેડૂતોને સબસીડી આપવાની યોજના અમલમાં મૂકી છે. પરંતુ ડીસા તેમજ આસપાસના મોટાભાગના ખેડૂતો બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો છે. જેથી તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. આ ઉપરાંત બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પણ ઓનલાઇન પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ ખુબ જ માંગેલ હોઇ ખેડૂત પુરા કરી શકે તેમ નથી. જેથી સરકાર ખેડૂતો છેતરપીંડી કરતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

સરકાર દ્વારા બે હેકટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને બટાકાના કટ્ટા દીઠ સબસિડી જાહેર કરી છે. પરંતુ 60 થી 70 ટકા ખેડૂતો બે હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે. જેથી સરકાર દ્વારા તમામ ખેડૂતો માટે એક સરખો ન્યાય આપી સબસીડી આપવી જોઈએ તેમ વડાવળના ખેડૂત દશરથભાઇ લોઢાએ જણાવ્યું હતું.

સરકાર ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહી છે
સરકાર દ્વારા બટાકા પકવતા ખેડૂતો માટે એક કટ્ટા દીઠ 50 રૂપિયાની સબસિડી જાહેર કરી છે તે સારી બાબત છે પરંતુ તેની સાથે ડોક્યુમેન્ટ ખુબ જ માગ્યા છે એ ખેડૂત પુરા કરી શકે તેમ નથી. આ સરકાર માત્ર ચૂંટણી નજીક આવે ત્યારે આવા નુસખા અપનાવી ખેડૂતો સાથે છેતરપીંડી કરે છે તેમ કાંટના ખેડૂત હરીજી મકવાણાએ જણાવ્યું હતું.

નાના ખેડૂતોને લાભ મળે તે માટે રજૂઆત કરાશે
સરકાર દ્વારા બટાકાના એક હજાર કટ્ટા (બેગ) અને 50 ટનથી વધારે સંગ્રહ કર્યો તેવા ખેડૂતોને સબસીડીનો લાભ આપવાની જાહેરાત કરી છે પરંતુ નાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે તે માટે સરકારમાં રજૂઆત કરાશે તેમ ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદભાઇ કચ્છવા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...