કામગીરી:ડીસાની સરકારી જમીનમાં કાટમાળ નાખતાં રચના કન્સ્ટ્રકશન કંપનીને 65.66 લાખ દંડ ભરવા નોટિસ

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રિજનો કાટમાળ હવાઈ પિલ્લર મેદાનમાં નંખાયો
  • કંપની પાસેથી 395 દિવસનું ભાડુ, ચાર્જ સહિતની રકમ વસૂલાશે

ડીસામાં ઓવરબ્રિજના કામ દરમિયાન સરકારી જમીનમાં કાટમાળ નાંખતાં કંપનીને નોટિસ ફટકારી છે. ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર 200 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જો કે અગાઉ બ્રિજની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રચના કન્સ્ટ્રકશન દ્વારા સરકારની મંજુરી લીધા વગર કાટમાળ શહેરના હવાઈ પિલ્લર મેદાનમાં નાખવામાં આવ્યો હતો.

જો કે આ મામલે જાગૃત નાગરિકે રજુઆત કરતા આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટર અને શહેર મામલતદાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી અને ઓવરબ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ 65 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.

જો કે એક વર્ષથી આ દંડની રકમ ન ભરાતા ફરીથી ડીસા શહેર મામલતદાર લાલજીભાઇ મકવાણાએ 395 દિવસ સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ રૂ. 37,52,500 ભાડુ, 18,76,250 લોકલ ફંડ અને 9,38,125 શિક્ષણ ફંડ મળી કુલ રૂપિયા 65,66,875 રૂપિયાનો દંડ સાત દિવસમાં કસ્બા તલાટીને ભરી પાવતીઓ બતાવવા હુકમ કર્યો છે. ડીસા શહેર મામલતદાર લાલજીભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘સરકારી જમીનનો મંજુરી વગર ઉપયોગ કરવા બદલ કંપનીને સાત દિવસમાં રકમ જમા કરાવવા નોટિસ આપવામાં આવી છે અને જો રકમ નહી ભરે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...