તાકીદ:જૂના ડીસામાં બસ સ્ટેશન આસપાસનાં દબાણો હટાવવા દબાણકારોને નોટિસ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જુનાડીસામાં દબાણો હટાવવા માટે નોટિસ ફટકારી છે. - Divya Bhaskar
જુનાડીસામાં દબાણો હટાવવા માટે નોટિસ ફટકારી છે.
  • માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સ્વખર્ચે દબાણો દૂર કરવા તાકીદ કરાઇ

ડીસાના જુનાડીસા ગામના હાઇવે ઉપર દબાણો કરનાર દબાણદારોને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા દબાણો સ્વખર્ચે હટાવી લેવાની નોટિસો આપવામાં આવી છે.

ડીસા તાલુકાના જુના ડીસા ગામના હાઇવે વિસ્તારનો છેલ્લા કેટલાક વર્ષથી હરણફાળ વિકાસ થયો છે. હાઇવે ઉપર અનેક નાના મોટા ધંધા રોજગાર ધમધમે છે પરંતુ વિકાસની આડમાં દબાણની બદી પણ ફાલીફૂલી છે. તેથી હાઇવે રોડ પણ સાંકડો બની જતા નાના મોટા અકસ્માતોના બનાવો પણ બનવા લાગ્યા હતા. જે બાબતે ઉઠેલી ફરિયાદોના પગલે કોરોના અગાઉ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા દબાણો ઉપર જેસીબી ફેરવી કાચા અને પાકા દબાણો દૂર થતાં હાઇવે રોડ ખુલ્લો બન્યો હતો. ત્યારબાદ કોરોનાને લઈ દબાણ ઝુંબેશ સ્થગિત કરાઈ હતી પણ પછી હાલમાં હાઇવે રોડના નવીનીકરણનું કામ પ્રગતિ હેઠળ છે તેમ છતાં દબાણદારો પોતાના દબાણો ઉપર ફરી ગોઠવાઈ ગયા છે. તેથી ફરી એક વાર હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

જેના કારણે હાઇવે ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવવાની ફરજ પડી છે. જેને ગંભીરતાથી લઈ માર્ગ અને મકાન પેટા વિભાગ પાલનપુરના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ફરી દબાણદારોને નોટીસો ફટકારી દબાણો સ્વખર્ચે હટાવી લેવાની તાકીદ કરી છે. જો કે કપરા કોરોના કાળ બાદ માંડ હવે ધંધા રોજગાર રાબેતા મુજબ ધમધમમવા લાગ્યા છે પરંતુ તેમાં પણ મહા મંદી પ્રવર્તી રહી છે. તેથી તંત્રની તવાઈના પગલે 'કહી ખુશી કહી ગમ' નો ઘાટ ઘડાયો છે. જેના કારણે ગામમાં ઉત્તેજના છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...