અકસ્માત:મોરબીના સાળા-બનેવીના ડીસા પાસે વાહનની ઠોકરે મોત, બન્ને ટ્રક લઇ પાલનપુર જવા નીકળ્યાં હતાં

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના હળવદથી આઇસર ટ્રક લઇ પાલનપુર જવા નીકળેલા બે યુવાનોની લાશ ડીસાના આખોલ નજીકથી મળી આવી હતી. જો કે, આઇસર ટ્રક કોઇ લઇ ફરાર થઇ ગયું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લાના હળવદ ખાતે આવેલ શનિ ભગવાનના મંદિર સામે આવેલ છાપરામાં રહેતાં ઝાલાભાઇ મગનભાઇ વાઝા અને રમેશભાઇ ઇશ્વરભાઇ વાઝા શુક્રવારે હળવદના રણછોડભાઇ હમીરભાઇ ભરવાડની આઇસર ટ્રક લઇ મોરબીથી પાલનપુર જવા માટે નિકળ્યા હતાં. જો કે, શનિવારે રાત્રિના આઠેક વાગ્યાના સુમારે બન્ને સાળા-બનેવી આઇસર ટ્રક ગોકુલ હોટલ પર મુકી ચાલતા રોડ પર નિકળ્યા હતાં. જે દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે ટકકર મારતાં બન્ને સાળા-બનેવીના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતાં. જ્યારે આઇસર ટ્રક પણ કોઇ લઇ ફરાર થઇ ગયું હતું. આ અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ અને સેવાભાવી મનુભાઇ આસ્નાનીએ ઘટના સ્થળે દોડી જઇ મૃતક ઝાલાભાઇ મગનભાઇ વાઝા (ઉં.વ.40) અને રમેશભાઇ ઇશ્વરભાઇ વાઝા (ઉં.વ.38) ની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. આ અંગે મેરૂભાઇ મગનભાઇ વાઝા (રહે.હળવદ) એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...